દહેજ GIDCની કંપનીમાં ભીષણ આગ, ડ્રમમાં બ્લાસ્ટના અવાજ 7 કિમી સુધી સંભળાયા, 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે: વાગરા તાલુકાની દહેજ GIDCની વિઝન પ્રોડક્ટ્સ પ્રા.લિ. કંપનીમાં આજે, 17 ઓગસ્ટની વહેલી સવારે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં પ્રચંડ બ્લાસ્ટ જેવા અવાજો સંભળાતા આસપાસના વિસ્તારોમાં પણ ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળેથી ઊઠેલા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા, જેના પગલે ઘટનાની ગંભીરતા સ્પષ્ટ થઈ હતી. કંપનીના વેરહાઉસમાં ભરેલા સોલ્વન્ટના ડ્રમોમાં આગ લાગતાં જ જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભીષણ હતી કે વેરહાઉસનો મોટો હિસ્સો તેની ઝપેટમાં આવી ગયો હતો. શરૂઆતમાં ડ્રમમાં બ્લાસ્ટ થયાની ચર્ચા વચ્ચે ઘટનાની જાણકારી મળતાં જ દહેજ અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટીમોને તાત્કાલિક દોડાવવામાં આવી હતી.
7થી વધુ ટીમો અને 8 જેટલા ફાયર ટેન્ડરો મેદાનમાં ઉતારાયા: આગની ગંભીરતાને જોતા 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તેમજ અંદાજે 8 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરો દ્વારા પાણી અને ફોમનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સોલ્વન્ટના કારણે આગ ઝડપથી ફેલાવાની શક્યતા હોવાથી ફાયર વિભાગ અને અન્ય સંબંધિત ટીમો દ્વારા અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. વાગરાના મામલતદાર વિરલ વસાવાના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો સહિતની તમામ ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. હાલ પાણી અને ફોમની મદદથી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી.
જાનહાનિ ટળી, કારણ અને નુકસાની હજુ તપાસ હેઠળ: આ ગંભીર આગની ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી સામે આવી છે. કંપનીના પ્રતિનિધિઓ સાથેની વાતચીત મુજબ ઘટનાસમયે તમામ લોકો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ખાસ કરીને વેરહાઉસમાં ઘટનાના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે જણાવ્યું છે. તો બીજી તરફ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આગ સોલ્વન્ટ ઢોળાવાથી અથવા સ્ટેટિક ચાર્જના કારણે ભભૂકી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અંતિમ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આગના કારણે કંપનીને થયેલી નુકસાનીનું એસેસમેન્ટ થયા બાદ જ નુકસાનીનો સાચો આંકડો બહાર આવશે.
ડ્રમમાં બ્લાસ્ટ નહીં, સોલ્વન્ટના કારણે આગ : દિનેશ ગામીત: ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના ડેપ્યુટી ડાયરેક્ટર દિનેશ ગામીતે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આગ કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલા સોલ્વન્ટના ડ્રમોમાં લાગી હતી. તેમણે જણાવ્યું કે અહીં કોઈ બ્લાસ્ટ થયો નથી. વેરહાઉસ હોવાથી ઘટના સમયે અંદર કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના કારણે જાનહાનિ ટળી હતી. દિનેશ ગામીતના જણાવ્યા મુજબ, આશરે 8 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર મોટાભાગે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે ડ્રમમાં રહેલો સોલ્વન્ટ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગને સંપૂર્ણપણે ઓલવવામાં હજુ એકથી દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે.
ઔદ્યોગિક સલામતી સામે ફરી ગંભીર સવાલો: દહેજ GIDCમાં વારંવાર બનતી આગ અને ઔદ્યોગિક દુર્ઘટનાઓ વચ્ચે વિઝન પ્રોડક્ટ્સની આ ઘટના ફરી એક વખત ઔદ્યોગિક સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. સોલ્વન્ટ જેવા જ્વલનશીલ કેમિકલના સંગ્રહ અને હેન્ડલિંગ દરમિયાન સલામતીના તમામ નિયમોનું કડક પાલન થયું હતું કે નહીં, ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂરતી હતી કે નહીં અને આગ લાગવાની પરિસ્થિતિ ઊભી થવા પાછળ ખરેખર કઈ બેદરકારી જવાબદાર છે. તે અંગે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ જરૂરી બની છે. સદનસીબે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ સોલ્વન્ટના ડ્રમોમાં લાગેલી ભીષણ આગે દહેજના ઔદ્યોગિક પટ્ટામાં સલામતી વ્યવસ્થાની ચકાસણી ફરી એક વખત કેટલી અનિવાર્ય છે તેનો ગંભીર સંદેશ આપી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે તપાસમાં આગનું ચોક્કસ કારણ શું સામે આવે છે અને જવાબદારો સામે તંત્ર ખરેખર કડક કાર્યવાહી કરે છે કે પછી આ ઘટના પણ માત્ર તપાસ અને કાગળ પરના અહેવાલોમાં જ સમાઈ જશે.
ભીષણ આગથી આસપાસના ગામોમાં ભયનો માહોલ, લોકો ઘરની બહાર દોડી આવ્યા: દહેજ GIDCની કંપનીમાં વહેલી સવારે ભભૂકેલી વિકરાળ આગ અને આકાશને આંબતા ધુમાડાના ગોટેગોટા જોઈ આસપાસના ગામોમાં પણ ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડો દૂરથી દેખાતાં સ્થાનિકોમાં કોઈ મોટી દુર્ઘટના બની હોવાની આશંકા ફેલાઈ હતી. ઘટનાના પગલે અનેક લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો અને લોકો સુરક્ષાની ચિંતાને પગલે ઘરની બહાર નીકળી આવ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં કેમિકલ અને સોલ્વન્ટના કારણે આગ વધુ વિકરાળ બનવાની ભીતિ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ ચિંતા વ્યાપી હતી. જોકે આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની ટીમો યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરતાં લોકોને રાહત થઈ હતી.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com