Skip to main content

Geo Gujarat News

ભરૂચ જિલ્લા DEO કચેરીનો મોટો નિર્ણય: ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના શાળા રેકોર્ડ સુધારવા માટે ૭ થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ખાસ ‘સુધારા કેમ્પ’

ભરૂચ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના શાળા રેકોર્ડ અને દસ્તાવેજોમાં રહેલી ભૂલોને સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના ચોપડે વિદ્યાર્થીઓનું નામ, જાતિ, પેટાજ્ઞાતિ, અટક, જન્મતારીખ કે જન્મસ્થળમાં ક્ષતિ હોય તો તેને સુધારવા માટે વાલીઓ અને આચાર્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. આ સમસ્યાના કાયમી અને ઝડપી ઉકેલ અર્થે ભરૂચ DEO કચેરીના હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ સામે આગામી સપ્ટેમ્બર માસમાં તાલુકાવાર વિશેષ “સુધારા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બોર્ડની પરીક્ષા કે ઉચ્ચ અભ્યાસ દરમિયાન માર્કશીટ તથા એલસીમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ વિશેષ સુધારા કેમ્પ અંતર્ગત આગામી ૭ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી તાલુકાવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ૭ સપ્ટેમ્બરે ભરૂચ, ૮ સપ્ટેમ્બરે અંકલેશ્વર,હંસોટ, ૯ સપ્ટેમ્બરે જંબુસર,આમોદ, ૧૦ સપ્ટેમ્બરે નેત્રંગ,વાલીયા અને ૧૧ સપ્ટેમ્બરે વાગરા, ઝઘડિયા તાલુકાઓની શાળાઓ માટે દિવસો ફાળવવામાં આવ્યા છે. જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યો અથવા જવાબદાર કર્મચારીઓએ શાળાનો ફોરવર્ડિંગ લેટર, નામ/જાતિ સુધારાનું ફોર્મ, અસલ એફિડેવિટની નકલ, વિદ્યાર્થી/પિતા/માતાના નામ સુધારા માટે આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ તથા પેટાજાતિ અંગે આધારની નકલ સાથે કચેરીની મા-૨ શાખામાં રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. માતાના નામનો ઉમેરો કરાવવાનો હોય તો શાળા કક્ષાએથી એફિડેવિટ મેળવી કરવાની રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સુવિધા માત્ર હાલ શાળામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જ છે, અને શાળા છોડી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!