Skip to main content

Geo Gujarat News

ભરૂચ: શ્રમિકોના શોષણ સામે ભારતીય મજદૂર સંઘનું આક્રમક બ્યુગલ: કલેક્ટર કચેરીએ ગર્જના કરી આવેદનપત્ર પાઠવ્યું, ૩૦ હજાર લઘુતમ વેતન અને કાયમી કરવાની ઉગ્ર માંગ!

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં અહર્નિશ સેવા આપતા શ્રમિકો અને કરાર આધારિત કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રશ્નો અને આર્થિક શોષણ સામે ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘે લાલ આંખ કરી છે. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા આશા વર્કર, આશા ફેસિલિટેટર, આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના તેમજ બાંધકામ ક્ષેત્રના કામદારોએ એકસૂરે ગર્જના કરી કલેક્ટર મારફતે રાજ્ય સરકારને એક કડક આવેદનપત્ર સુપરત કર્યું છે. સંઘે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી છે કે આરોગ્ય વિભાગમાં કાયમી ધોરણે સેવા આપતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને ત્વરિત સરકારી કર્મચારી તરીકે કાયમી કરી લઘુતમ વેતન ચૂકવવામાં આવે તેમજ ઓનલાઇન કામગીરી માટે રૂ. ૫ હજારનો સ્માર્ટફોન અને ટેકનિકલ સાધનો ફાળવવામાં આવે.બીજી તરફ, આંગણવાડી કાર્યકરોને અન્ય ઈતર કામગીરીમાંથી મુક્તિ આપી દર વર્ષે ૧૦ ટકાનો વાર્ષિક પગાર વધારો, લઘુતમ વેતન, સમયસર પ્રમોશન અને ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવા માટે સરકાર સમક્ષ આકરો સુર વ્યક્ત કરાયો છે. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ‘શાળા પોષણ સહાયક’ તરીકે જાહેર કરી માસિક રૂ. ૩૦,૦૦૦ નું લઘુતમ વેતન ચૂકવવા, ૬૨ વર્ષની વયે નિવૃત્તિ બાદ સામાજિક સુરક્ષા કવચ આપવા તથા અકસ્માતના કિસ્સામાં રૂ. ૪ લાખની મુખ્યમંત્રી સહાય આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, બાંધકામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી બોર્ડમાં કાયમી ભરતી કરવા અને સરકારી નિગમોમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓને ૫ વર્ષના બદલે માત્ર ૨ વર્ષની સેવા બાદ કાયમી કરવાની ચિંતનશીલ માગણીઓ રજૂ કરીને સંઘે શ્રમિકોના હક્કો માટે આરપારની લડાઈના એંધાણ આપ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!