Skip to main content

Geo Gujarat News

ઝઘડિયા: તંત્રની અણઘડ નીતિ અને ભ્રષ્ટ નીંદ્રા સામે પ્રજાનો આક્રોશ, ખાતમુહૂર્તના મહિનાઓ બાદ પણ રાજપારડી-GMDC માર્ગ બિસ્માર, ‘ખેતર જેવા રસ્તા’થી દર્દીઓ અને વાહનચાલકો ત્રાહિમામ!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલો રાજપારડી GMDC ફાટકથી GMDC સુધીનો મહત્વપૂર્ણ માર્ગ હાલ વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષા અને લાપરવાહીને કારણે અત્યંત બિસ્માર અને મરણચીસ સમાન બની ગયો છે. માર્ગ પર ઠેર-ઠેર મસમોટા જીવલેણ ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ જતાં રોજેરોજ પસાર થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો સતત ભય તોળાઈ રહ્યો છે. સ્થાનિક રહીશોમાં આક્રોશપૂર્વક ચર્ચાઈ રહ્યું છે કે થોડા મહિનાઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય અને રાજકીય હોદ્દેદારોની હાજરીમાં આ માર્ગના નવીનીકરણ માટે મોટો તામજામ કરીને ખાતમુહૂર્ત તો કરી દેવાયું, પરંતુ મહિનાઓ વીતી જવા છતાં રોડનું એક પણ કામ શરૂ કરવામાં આવ્યું નથી. તંત્રની કાગળ પરની આ ‘વિકાસ’ની વાતો અને વહીવટી નિષ્ક્રિયતા સામે પ્રજામાં ભારે રોષ વ્યાપી ગયો છે.સ્થિતિ એટલી હદે કફોડી બની છે કે એક વાહનચાલકે પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં સ્પષ્ટ શબ્દોમાં કટાક્ષ કર્યો હતો કે, “આ તંત્રના રસ્તા કરતાં તો અમારા ખેતરના રસ્તા વધુ સારા હોય છે!” આ માર્ગ માત્ર સામાન્ય વાહનો માટે જ નહીં, પરંતુ GMDC ના સિલિકા પ્લાન્ટમાં જતાં ભારે વાહનો માટે પણ મુખ્ય ધમધમીતી ધમરી છે.સાથોસાથ, આ રસ્તા પર જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવાથી કટોકટીના સમયે આવતા દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે આ ખાડાટેકરાવાળો રસ્તો નરકયાતના સમાન સાબિત થઈ રહ્યો છે. નવીનીકરણ તો દૂર, તંત્ર દ્વારા આ જીવલેણ ખાડાઓ પૂરવાની સાદી નૈતિક ફરજ પણ બજાવવામાં આવી નથી. હાલ સોશિયલ મીડિયા પર બાઈકચાલકો અને વાહનચાલકોની કમરતોડ હાલાકી દર્શાવતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટી તંત્ર કોઈ મોટા અકસ્માત અને જાનહાનિની રાહ જોશે કે પછી તાત્કાલિક ધોરણે આ રોડનું કામ શરૂ કરાવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!