ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં સરકારી ચોપડે દર્શાવાતા ‘વિકાસ’ના તમામ તકલાદી દાવાઓ સરેઆમ ધૂળધાણી થઈ ગયા છે. હાથકુંડી ખાડી પર આવેલો મુખ્ય પુલ ચોમાસાના પાણીમાં ધોવાઈ જતાં આસપાસના વિસ્તારના ૫૦૦થી વધુ નિર્દોષ ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. કાળજું કંપાવી દે તેવી બાબત તો એ છે કે પુલ ધરાશાયી થયાને આટલો સમય વીતી ગયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા રહીશો માટે કોઈ પણ પ્રકારના સુરક્ષિત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી.
પરિણામે, ગામના માસુમ શાળાએ જતાં બાળકો, રોજગારી માટે ભટકતા યુવાનો, વૃદ્ધો અને બીમાર દર્દીઓ ઊંડી ખાડી પાર કરવા માટે માત્ર બે સળિયા જેવા ઇલેક્ટ્રિક થાંભલાઓ પર ચાલીને મોતની રમત રમવા મજબૂર બન્યા છે. બે થાંભલા પરથી પસાર થતી વખતે સહેજ પણ પગ લપસે એટલે સીધા ખાડીના ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જવાનો કાયમી ભય તોળાઈ રહ્યો છે.
સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાના ગમે તેટલા બણગા ફેંકતી હોય, પરંતુ હાથકુંડી ગામના પ્રજાજનો આજે મોતને મુઠ્ઠીમાં લઈને જીવી રહ્યા છે. આ અણઘડ વહીવટની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે વરસાદી માહોલમાં સ્મશાનક્રિયા માટે લાકડાં લઈ જવા પણ ભારે મુશ્કેલ બની જાય છે. સ્થાનિક રહીશ સંજયભાઈએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમે નરકથી પણ બતર પરિસ્થિતિ ભોગવી રહ્યા છીએ. અંતિમસંસ્કાર માટે લાકડાં લઈ જવા એ અમારી સૌથી મોટી યાતના છે.” તંત્રની આ નિષ્ઠુરતા અને ભ્રષ્ટ નીંદ્રા સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે નિષ્ક્રિય વહીવટી તંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની વાટ જોશે કે પછી તાત્કાલિક ધોરણે નવો પુલ મંજૂર કરીને જનતાને આ નરકયાતનામાંથી મુક્તિ અપાવશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com