Skip to main content

Geo Gujarat News

ગુજરાત સરકારનો મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી માટે મોટો નિર્ણય, BLOને ₹૪,૦૦૦ અને સુપરવાઇઝરોને ₹૬,૦૦૦નું વિશેષ ભથ્થું જાહેર, વહીવટી વિભાગે ઠરાવ બહાર પાડ્યો!

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SIR-2026) ની અત્યંત મહત્વપૂર્ણ કામગીરીમાં જોડાયેલા બુથ લેવલ અધિકારીઓ (BLO) અને BLO સુપરવાઇઝરોની મહેનત અને જવાબદારીને બિરદાવતા રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ) દ્વારા ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ઠરાવ મુજબ, SIR-2026 ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરનાર નિયુક્ત BLO ને ₹૪,૦૦૦ અને BLO સુપરવાઇઝરને ₹૬,૦૦૦ નું વિશેષ એક વખતનું (One-time) ભથ્થું આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રોત્સાહક રકમ તેમને દર વર્ષે મળતા નિયમિત વાર્ષિક માનદ વેતન ઉપરાંત ચૂકવવામાં આવશે, એટલું જ નહીં પરંતુ તેમનું વાર્ષિક માનદ વેતન પણ એકસાથે ચૂકવવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તને નાણાં વિભાગે મંજૂરી આપ્યા બાદ સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ આદેશ જારી કરાયો છે. જોકે, આ વિશેષ ભથ્થાની ચૂકવણી સીધેસીધી નહીં થાય, પરંતુ મદદનીશ મતદાર નોંધણી અધિકારી (AERO) દ્વારા દરેક BLO અને સુપરવાઇઝરની ફરજના દિવસો તથા કામગીરીની સઘન સમીક્ષા કર્યા બાદ જ નિયમાનુસાર રકમ જમા કરવામાં આવશે. ઠરાવમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે SIR ની સમગ્ર કામગીરી દરમિયાન સંબંધિત અધિકારીઓની માર્ગદર્શિકા અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકશાહીની પાયાની કામગીરી બજાવતા હજારો કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને કામગીરી ઝડપી બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!