Skip to main content

Geo Gujarat News

ગુજરાત પોલીસનો હાઇટેક ધમાકો, ઇનોવેશન ચેલેન્જ 2026 હેઠળ દેશની સૌથી મોટી AI અને CCTV હેકાથોનનું આયોજન, ગુનેગારો પર 80 હજારથી વધુ ‘AI નેત્રો’ની કડક નજર રહેશે!

સ્માર્ટ અને પ્રો-એક્ટિવ પોલિસિંગ ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડતાં ગુજરાત પોલીસે અસામાજિક તત્વો અને ગુનેગારોની ખેર ન રહે તેવો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. રાજ્યના પોલીસ વડા (DGP) જી.એસ. મલિકના સીધા માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026’ અંતર્ગત દેશની સર્વપ્રથમ અને સૌથી મોટી CCTV ઇન્ટિગ્રેશન તથા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત હેકાથોનની જાહેરાત કરવામાં આવી છે. આ ભવ્ય હેકાથોનમાં દેશભરના ઇનોવેટર્સ, ટેકનોલોજી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધકો જોડાશે. આ પહેલનો મુખ્ય આશય સમગ્ર રાજ્યમાં અલગ-અલગ પ્લેટફોર્મ અને નેટવર્ક પર કાર્યરત ૮૦ હજારથી વધુ CCTV કેમેરાઓને એક જ સુરક્ષિત સિસ્ટમ સાથે સાંકળીને એક અત્યંત સક્ષમ, સ્કેલેબલ અને અભેદ્ય પબ્લિક સેફ્ટી ઇકોસિસ્ટમ ખડી કરવાનો છે.ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત, ટેક-ડેવલપર્સને વાસ્તવિક પરિસ્થિતિઓ વચ્ચે લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર તેમના AI સોલ્યુશન્સનું સીધું પરીક્ષણ કરવાની સુવર્ણ તક મળશે. આ AI સિસ્ટમ દ્વારા શંકાસ્પદ ઈસમો, ચહેરા, ચોરાઉ વાહનો અને અસામાન્ય ગુનાહિત હિલચાલની રિયલ-ટાઇમ ઓળખ, ત્વરિત ઓટોમેટિક એલર્ટ, ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR), વ્હીકલ ટ્રેકિંગ, વોચલિસ્ટ મેચિંગ અને ક્રોસ-કેમેરા સર્ચ જેવી અત્યાધુનિક ક્ષમતાઓનું આકરું ટેસ્ટિંગ લેવામાં આવશે.આ સ્પર્ધા બે તબક્કામાં યોજાશે, જેમાં ઓપન ઇનોવેશન ચેલેન્જના પ્રથમ તબક્કામાં શોર્ટલિસ્ટ થયેલી ટોચની ૬ ટીમો ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશશે. ફાઇનલિસ્ટ ટીમોને લાઇવ પ્રોડક્શન એન્વાયર્નમેન્ટમાં વાસ્તવિક પોલીસિંગ સિનારિયો પર પોતાના સોલ્યુશનનું ડેમોન્સ્ટ્રેશન કરવાનું રહેશે, જ્યારે વિજેતા ટીમો માટે કુલ ₹૩૭ લાખના આકર્ષક રોકડ પુરસ્કારો રાખવામાં આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૬માં શરૂ થનારી આ હેકાથોન માટે i-Hub ટેકનોલોજી પાર્ટનર તથા DA-IICT અને NFSU નોલેજ પાર્ટનર તરીકે જોડાયા છે. સ્પર્ધાની તમામ વિગતો સત્તાવાર પોર્ટલ sentinel.gujarat.gov.in પર ઉપલબ્ધ કરાઈ છે. ગુજરાત પોલીસની આ હાઇટેક ડિજિટલ ઘેરાબંધીથી હવે ગુનો આચરીને છટકવું અશક્ય બની જશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!