Skip to main content

Geo Gujarat News

તલાટીઓ માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય, મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની ફરજો અલગ-અલગ કરાઈ, વહીવટી ગૂંચવણોનો અંત!

ગુજરાતના તલાટીઓ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પડતર માંગણી અને વહીવટી ગૂંચવણોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી અને જવાબદારીઓ સત્તાવાર રીતે અલગ કરી દીધી છે. રાજ્ય સરકારના પંચાયત વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ઠરાવ મુજબ, હવે બંને કેડરના કર્મચારીઓ માટે અલગ-અલગ જોબચાર્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી અત્યાર સુધી કામગીરીને લઈને ઊભી થતી અસમંજસતા અને ઓવરલેપિંગની સમસ્યાઓનો કાયમી અંત આવશે, જેનાથી ગ્રામ્ય સ્તરે વહીવટ વધુ ઝડપી, પારદર્શક અને સુગ્રથિત બનશે.સરકાર દ્વારા સ્પષ્ટ કરાયેલા નવા જોબચાર્ટ મુજબ, મહેસૂલી તલાટી હવે મુખ્યત્વે જમીન મહેસૂલ, જમીન રેકર્ડ અને મહેસૂલ કાયદા સંબંધિત કામગીરી સંભાળશે. આ સિવાય જમીનના રેકર્ડ જાળવવા, હદનિશાન, સરકારી જમીનની સુરક્ષા, ગૌચર, ખાણ-ખનિજ અને જમીન પરના દબાણ હટાવવા અંગેની તમામ જવાબદારીઓ તેમના શિરે રહેશે. બીજી તરફ, તલાટી કમ-મંત્રી પંચાયત અધિનિયમ અને નિયમો હેઠળ ગ્રામ પંચાયતના સચિવ તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેઓ સરકારી યોજનાઓનું ગ્રામીણ સ્તરે અમલીકરણ, પંચાયતના વિકાસકાર્યો, જન્મ-મરણ નોંધણી, વિવિધ સરકારી પ્રમાણપત્રો આપવા તેમજ ગામતળ, પંચાયત હસ્તકની જમીન, પાણી, સ્વચ્છતા, દીવાબત્તી અને પ્રાથમિક શિક્ષણ જેવી ગ્રામીણ સુવિધાઓની કામગીરી સંભાળશે. આ સત્તાવાર વિભાગીકરણથી ગ્રામીણ પ્રજાને પણ પોતાના કામકાજ માટે કયા અધિકારી પાસે જવું તેની સ્પષ્ટતા મળશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!