રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓની શારીરિક સ્વચ્છતા, આરોગ્ય અને શાળામાં હાજરીનું પ્રમાણ સુધારવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ ૬ થી ૧૨ માં અભ્યાસ કરતી ૧૦ લાખથી વધુ કન્યાઓ માટે કુલ ૪૬.૬૮ કરોડના ખર્ચે મફત સેનેટરી નેપકીન વિતરણ યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ક્રાંતિકારી યોજના હેઠળ શાળાની દરેક વિદ્યાર્થીની દીઠ વાર્ષિક ૩૬૦ ની બજેટ જોગવાઈ કરાઈ છે, જેના અંતર્ગત દીકરીઓને દર મહિને ૩૦ ની સંખ્યામાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે.
યોજનાના સુચારૂ અને પારદર્શી અમલીકરણ માટે દરેક શાળામાં મહિલા શિક્ષકની નોડલ ઓિફસર તરીકે નિયુક્તિ કરવામાં આવશે. આ નોડલ મહિલા શિક્ષક કન્યાઓને માસિક ધર્મ અને સ્વચ્છતા અંગે સાચું માર્ગદર્શન આપી તેમના મનમાંથી સંકોચ, ભય અને ગેરમાન્યતાઓ દૂર કરશે. આ સાથે, વપરાયેલા નેપકીનના કચરા નિકાલ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬ અંતર્ગત કડક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જે મુજબ વપરાયેલા પેડ્સને કાગળમાં લપેટી અલગ રાખવાના રહેશે અને શાળાઓમાં આવેલા ઇન્સિનીરેટર (ભઠ્ઠી) મશીન ચાલુ સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરાશે. સરકારની આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરનો આર્થિક બોજ હળવો થશે અને અસ્વચ્છ કાપડથી થતાં ગંભીર ચેપ સામે દીકરીઓને કાયમી સુરક્ષા કવચ મળશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com