ગાંધીનગર જિલ્લામાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ડભોડા પોલીસે કડક ઝુંબેશ આદરીને મોટો સપાટો બોલાવ્યો છે. ડભોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે ચોક્કસ ખાનગી બાતમીના આધારે રણાસણ ગામની સીમમાં સર્વે નંબર-૧૪૭ વાળા ખેતરમાં આવેલી લેબર કોલોનીના પ્રથમ માળે દરોડો પાડ્યો હતો. જ્યાં રાકેશ રણછોડ ભરવાડ નામના ઈસમ દ્વારા બહારથી મોટા માથા અને ધનાઢ્ય જુગારીઓને ભેગા કરી ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કરી સ્થળ પરથી ૧૧ જુગારીઓને રંગેહાથ દબોચી લીધા છે.
પોલીસની આ આકરી કાર્યવાહી દરમિયાન દાવ પરથી ૩૩,૫૦૦ અને આરોપીઓની અંગજડતીમાંથી ૬,૩૫,૦૦૦ મળી કુલ ૬,૬૯,૦૦૦ ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત, દરોડા સ્થળેથી ₹૯૨ લાખની કિંમતની ૫ મોંઘીદાટ ફોર-વ્હીલર ગાડીઓ, ૫,૪૨,૦૦૦ ની કિંમતના ૧૧ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને ગંજીપાના મળી કુલ ૧,૦૪,૧૧,૦૦૦ નો મસમોટો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદ અને ગાંધીનગરના રણજીતસિંહ સોલંકી, સતીષજી ઠાકોર, વિજયકુમાર પટેલ, વિશાલ બ્રહ્મભટ્ટ, કિરણ પ્રજાપતિ, રમેશ રેવા ભરવાડ, રાજુ ભરવાડ, રાકેશ દશરથ પટેલ, રમેશ રણછોડ ભરવાડ, રાકેશ રણછોડ ભરવાડ અને દિનેશ દેસાઈનો સમાવેશ થાય છે. પોલીસે તમામ ૧૧ ઈસમો સામે જુગાર ધારાની કલમ ૪ અને ૫ મુજબ કડક ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com