Skip to main content

Geo Gujarat News

પાલિતાણામાં ૧૬૯૦ વૃક્ષોના નિકંદન કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જેલમાં બંધ બે સસ્પેન્ડેડ ફોરેસ્ટ ગાર્ડ્સને જામીન, પોતાના ખર્ચે ૧૭૦૦ વૃક્ષો વાવી ૩ વર્ષ જતન કરવાની કડક શરત!

ભાવનગર જિલ્લાના પાલિતાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસ હેઠળના રાજસ્થળી બીટમાં ગેરકાયદેસર રીતે ૧૬૯૦ જેટલાં મહાકાય વૃક્ષોનું ચોંકાવનારૂં નિકંદન કાઢવાના ચકચારી કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક અત્યંત દૃષ્ટાંતરૂપ અને કડક ચુકાદો સંભળાવ્યો છે. જેલમાં બંધ બે આરોપી ફોરેસ્ટ ગાર્ડ્સની નિયમિત જામીન અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે બંનેને જેલમુક્તિ સાથે જ એક નવીન દંડત્મક શરત ફટકારી છે. અદાલતે સ્પષ્ટ આદેશ કર્યો છે કે જેલમાંથી બહાર આવ્યાના ૧૫ દિવસની અંદર બંને આરોપીઓએ પોતાના અંગત ખર્ચે વ્યક્તિદીઠ ૮૫૦-૮૫૦ મળીને કુલ ૧૭૦૦ વૃક્ષો વાવવાના રહેશે અને સતત ૩ વર્ષ સુધી તેનું સંપૂર્ણ જતન કરવું પડશે. જો આ કડક શરતનું પાલન કરવામાં એક પણ ચૂક થશે તો આરોપીઓના જામીન આપોઆપ રદ કરી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે પાલિતાણાના રાજસ્થળી બીટ ખાતે ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ કરશન ગોહિલ અને કલ્પેશ ડાભી સામે લાકડાના કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ રચી માત્ર ₹૨૫,૦૦૦ની લાંચ માટે ૧૬૯૦ જેટલાં ઘનઘોર વૃક્ષોનો સોથ વાળી દેવાનો અને વન્યજીવોના આવાસને તારાજ કરવાનો ગંભીર આરોપ મૂકાયો હતો. આ ગુનામાં વન વિભાગે બંનેને ત્વરિત સસ્પેન્ડ કર્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કરતાં કહ્યું હતું કે જંગલના રક્ષકો જ ભક્ષક બન્યા છે. બીજી તરફ હાઇકોર્ટે આક્રોશ વ્યક્ત કરતાં ટિપ્પણી કરી હતી કે, “હાઇકોર્ટ પરિસરમાં નિર્માણકાર્ય માટે આડે આવતા ૨૦ વૃક્ષોને રી-પ્લાન્ટ કરવા માટે મશીન ન મળતાં કામ અટકી પડ્યું છે અને તમે અહીં ૧૬૯૦ વૃક્ષો કપાવી નાખ્યા!”અદાલતે બંને આરોપીઓને ₹૨૫,૦૦૦ના અંગત બોન્ડ પર જામીન આપતાં વૃક્ષારોપણ ઉપરાંત આકરી શરતો મૂકી છે. વાવેલા ૧૭૦૦ વૃક્ષોની જાળવણીનું સીધું સુપરવિઝન પાલિતાણા RFO અને DCF-ભાવનગર કરશે તથા તેનો પ્રગતિ અહેવાલ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવો પડશે. આ ઉપરાંત બંને આરોપીઓએ આગામી ૬ મહિના સુધી દર મહિને એકવાર સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સમક્ષ નિયમિત હાજરી પણ પુરાવવી પડશે. અદાલતના આ ચુકાદાથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા ગુનેગારો સામે એક આકરો સંદેશ ગયો છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!