દહેજ પંથકમાં ઔદ્યોગિક વિકાસની વચ્ચે સ્થાનિક રોજગારીનો મુદ્દો ફરી એકવાર ઉગ્ર બન્યો છે. વાગરા તાલુકાના કડોદરા નજીક આવેલી BVC કંપનીના ગેટ બહાર સ્થાનિકો અને લેન્ડલુઝર પરિવારોએ ધરણાં કરી રોજગારી સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નો સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોતાની જમીન ઔદ્યોગિક વિકાસ માટે આપનાર લેન્ડલુઝર પરિવારો અને સ્થાનિક યુવાનોને જ રોજગારીમાં પૂરતી તક ન મળતી હોય તો વિકાસ કોના માટે? સ્થાનિકોએ કંપનીમાં સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આપવા તેમજ વર્ષોથી પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી હતી.
ધરણાં દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્વીનકલ મેડમ હાય-હાય અને ભાર્ગવ સાહેબ હાય-હાય ના નારા લગાવી જવાબદાર અધિકારીઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે રોજગારી અને હકના પ્રશ્ને હવે માત્ર આશ્વાસન નહીં, પરંતુ નક્કર નિર્ણય અને અમલ જોઈએ. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જમીન ગુમાવીને ઔદ્યોગિક વિકાસમાં યોગદાન આપનાર લેન્ડલુઝર પરિવારો તથા આસપાસના ગામોના યુવાનોને રોજગારીમાં પ્રથમ હક અને યોગ્ય પ્રાથમિકતા મળવી જોઈએ. કંપની મેનેજમેન્ટ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે સ્થાનિકોના આક્રોશ બાદ BVC કંપની મેનેજમેન્ટ ચર્ચા માટે આગળ આવે છે કે નહીં અને રોજગારીના મુદ્દે કોઈ નક્કર નિર્ણય લે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com