Skip to main content

Geo Gujarat News

વાગરા: સારણમાં કંપનીના પ્રદૂષણ સામે ખેડૂતોનો રોષ ભભૂક્યો! પાક-વૃક્ષોને નુકસાનનો આક્ષેપ, ધારાસભ્ય સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ..

વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતો હવે કંપનીઓના પ્રદૂષણ સામે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. હેમાની કોપકેર સહિતની કંપનીઓમાંથી નીકળતા ગેસ અને પ્રદૂષણના કારણે ખેતરોમાં ઊભેલા પાક તેમજ વૃક્ષોને નુકસાન થઈ રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ, તુવેર, મગ સહિતના પાકો ઉપરાંત લીમડા, સમડી સહિતના મોટા વૃક્ષો પણ પ્રદૂષણની અસરથી નુકસાનગ્રસ્ત થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ખેતી તેમની આજીવિકાનો મુખ્ય આધાર છે અને કંપનીઓના પ્રદૂષણની સીધી અસર ખેતી પર પડી રહી હોવા છતાં તેમની સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. આ મામલે અગાઉ પણ સારણ ગામના ખેડૂતોએ વાગરા મામલતદાર તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ ન આવતા ખેડૂતો દ્વારા આજે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.આજરોજ સારણ ગામના ખેડૂતો દ્વારા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાને લેખિત રજૂઆત કરી કંપનીઓના કથિત પ્રદૂષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે જે ઉત્પાદનના કારણે પાકને નુકસાન થઈ રહ્યું હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે, તે પ્રોડક્ટ તાત્કાલિક બંધ કરવામાં આવે. અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોને વાંધો નથી, પરંતુ ખેતીને નુકસાન પહોંચાડે તેવું ઉત્પાદન કોઈપણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે. અગાઉ મામલતદાર મારફતે જી.પી.સી.બી.ને પણ જાણ કરવામાં આવી હોવાનું ખેડૂતોની રજૂઆતમાં જણાવાયું છે. અને જી.પી.સી.બી.ની ટીમ કંપની ખાતે તપાસ માટે પહોંચી હોવા છતાં ખેડૂતોને હજુ સુધી સંતોષકારક નિરાકરણ મળ્યું નથી. ખેડૂતોનો સીધો સવાલ છે કે જો પ્રદૂષણના કારણે ખરેખર ખેતીને નુકસાન થઈ રહ્યું હોય તો જવાબદારી કોની અને ખેડૂતોના નુકસાનની ભરપાઈ કોણ કરશે?આજે ધારાસભ્ય અરુણસિંહ રણાને રજૂઆત કર્યા બાદ ધારાસભ્ય દ્વારા ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવી આપવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હવે ખેડૂતોની નજર તંત્ર અને ધારાસભ્ય દ્વારા લેવામાં આવનારી આગામી કાર્યવાહી પર ટકેલી છે. એક તરફ ઉદ્યોગો વિકાસ અને રોજગારીની વાત કરે છે, તો બીજી તરફ ખેડૂતો પોતાની જમીન, પાક અને આજીવિકા બચાવવા માટે દરવાજે-દરવાજે રજૂઆતો કરવા મજબૂર બને તે સ્થિતિ ગંભીર છે. ખેડૂતોની ફરિયાદો માત્ર આવેદનપત્રો અને તપાસના કાગળો પૂરતી સીમિત ન રહે, પરંતુ પ્રદૂષણના સ્ત્રોતની નિષ્પક્ષ તપાસ થાય, જવાબદારી નક્કી થાય અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી થાય તેવી હવે સારણ ગામના ખેડૂતોની ઉગ્ર માંગ છે.

આ પણ વાંચો: સારણ ગામમાં પ્રદૂષણનો ગેસ કાળો કહેર! ખેડૂતોના પાક-વૃક્ષો સુકાયા, કલેક્ટર સમક્ષ કંપનીઓ સામે ફરિયાદ

વાગરા: સારણ ગામના ખેડૂતોનો આક્રોશ, હેમાની સહિતની કંપનીના પ્રદૂષિત ગેસથી પાક-ઝાડ સુકાઈ રહ્યાં છે, અમારું અસ્તિત્વ જોખમમાં! : ગ્રામજનો..

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!