વર્ષોથી પડતર પ્રશ્નો અને અન્યાયી સરકારી નીતિઓ સામે ઝૂકી જવાના બદલે ભરૂચ જિલ્લાના છ તાલુકાના હજારો ખેડૂતોએ બંડ પોકારીને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડ્યો છે. દયાદરા-દેરોલ ગામેથી ‘ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રા’ના નામે નીકળેલી અભૂતપૂર્વ રેલીએ સમગ્ર જિલ્લામાં ભારે ગરમાવો લાવી દીધો હતો.
કાયદો અને વ્યવસ્થાના નામે પોલીસે કંથારીયા ખાતે ટ્રેક્ટરોના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, હાંસોટ અને અંકલેશ્વર સહિતના તમામ વિસ્તારોમાંથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા આક્રોશિત ખેડૂતોએ વિરાટ માર્ચ યોજીને કલેક્ટર કચેરી પર ધાવા બોલ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર ફટકારી પડતર પ્રશ્નોના કાયમી નિકાલની આકરી માગ કરી હતી.
ખેડૂતોએ ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી છે કે વર્ષ ૨૦૧૭માં કરાયેલા જમીન રી-સર્વે (પ્રમોલગેશન) બાદ માપણીમાં થયેલી ગંભીર ક્ષતિઓ અને હજારો પેન્ડિંગ અરજીઓ ધ્યાને લઈ આ અન્યાયી રી-સર્વે ત્વરિત રદ કરવામાં આવે. આ ઉપરાંત, પાવરગ્રીડ, જેટકો અને એસ્સાર જેવી કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનો માટે ન્યાયી વળતર નીતિ જાહેર કરવા, ખેડૂત વિરોધી પરિપત્રો રદ કરવા, પાક વીમો પુનઃ શરૂ કરવા, ખેડૂતોનું તમામ દેવું સંપૂર્ણપણે માફ કરવા તથા ખેતમજૂરોને સુરક્ષા કવચ આપવાની કડક માંગણીઓ રજૂ કરાઈ હતી.
બુલેટ ટ્રેન, ભારતમાલા એક્સપ્રેસવે અને DFC જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટોના અણઘડ આયોજનના કારણે ખેતરોમાં થતા જળબંબાકાર તેમજ જંબુસર-આમોદમાં ખાતરની કૃત્રિમ અછત સામે પણ ખેડૂતોએ ભારે રોષ ઠાલવ્યો હતો. ખેડૂત આગેવાન નોફલ પટેલે તાકીદ કરતાં જણાવ્યું હતું કે આ વખતની લડાઈ આરપારની છે અને જો વહીવટી તંત્ર અને સરકાર તાત્કાલિક યોગ્ય ઉકેલ નહીં લાવે તો ગાંધીચિંધ્યા માર્ગે શરૂ થયેલું આ આંદોલન આગામી દિવસોમાં વધુ આક્રમક રૂપ ધારણ કરશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com