આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારો, જન્માષ્ટમી, છડી નોમનો મેળો અને ૨૬ ઓગસ્ટે યોજાનારા ઈદે મિલાદુન્નબીના જુલુસ પૂર્વે ભરૂચ શહેરમાં વ્યાપેલી ગંદકી, બિસ્માર રસ્તાઓ અને અંધારપટ સામે વિપક્ષના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
નગરપાલિકાના વિપક્ષી સભ્યો શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઝુબેર પટેલ, જીગ્નેશ બ્રહ્મભટ્ટ અને ઈમરાન પટેલ સહિતના અગ્રણીઓએ પાલિકાના મુખ્ય અધિકારી (ચીફ ઓફિસર) ને રૂબરૂ મળીને આવેદનપત્ર ફટકાર્યું હતું. વિપક્ષે આકરા શબ્દોમાં સંભળાવ્યું હતું કે તહેવારો દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને નાગરિકો રસ્તા પર ઉતરવાના હોય ત્યારે પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને તમામ નાગરિક સુવિધાઓ તાત્કાલિક ધોરણે સુદૃઢ અને કાર્યરત કરે.
આવેદનપત્રમાં સ્પષ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે જુલુસ અને છડી નોમના મેળાના તમામ નિર્ધારિત રૂટ, મંદિરો તેમજ ધાર્મિક સ્થળો આસપાસ યુદ્ધના ધોરણે સફાઈ કરાવી કચરાનો ત્વરિત નિકાલ કરવામાં આવે. આ ઉપરાંત, બિસ્માર માર્ગોનું પેચવર્ક, તમામ બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવી, જરૂરી સ્થળોએ ફોક્સ લાઇટની વ્યવસ્થા કરવી, ઉભરાતી ડ્રેનેજ-ગટરોની સફાઈ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને જોખમી ઝાડ-ડાળીઓનું ટ્રીમિંગ કરવાની આકરી માગણી કરાઈ છે.
રોગચાળો ન ફેલાય તે માટે ફોગિંગ, એન્ટી-લાર્વા દવાનો છંટકાવ અને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવા તાકીદ કરાઈ છે. વિપક્ષે પાલિકા તંત્ર પાસે માંગ કરી છે કે ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વીજળી, પાણી અને સ્વચ્છતા વિભાગના કર્મચારીઓને ૨૪ કલાક સ્ટેન્ડબાય રાખવામાં આવે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તમામ તહેવારો શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત તથા કોમી સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com