Skip to main content

Geo Gujarat News

ભરૂચ: પાવરગ્રીડ લાઇનના જમીન સંપાદન સામે ખેડૂતોનો રણકાર! ટ્રેક્ટર રેલી રોકતા પોલીસ સાથે ઘર્ષણ, અંકલેશ્વર-ભરૂચ રોડ પર ચક્કાજામ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતોમાં પાવરગ્રીડ લાઇન માટે થતા જમીન સંપાદનના મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની પડતર માંગણીઓ અને યોગ્ય વળતરની રજૂઆત કરવા ખેડૂતો દ્વારા આજે વિશાળ ટ્રેક્ટર રેલી યોજી ભરૂચ કલેક્ટર કચેરી તરફ કૂચ કરવામાં આવી હતી. જોકે પોલીસે રેલીને રસ્તામાં જ અટકાવી દેતાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસની રોકટોકથી રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર જ બેસી ગયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે અંકલેશ્વર-ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને અંદાજે 2થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકો સુધી માર્ગ પર સર્જાયેલી અફરાતફરીને કારણે સમગ્ર પંથકમાં તંગદિલી અને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો.ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે પાવરગ્રીડ લાઇન માટે તેમની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે, પરંતુ તેની સામે મળનાર વળતર તેમની જમીનની વાસ્તવિક કિંમત અને નુકસાનની સરખામણીએ પૂરતું નથી. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ યોગ્ય વળતરની વાતો કરવામાં આવી હોવા છતાં જમીન પર અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં સંતોષકારક નિર્ણય લેવાયો નથી. ખેડૂતોએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જમીન સંપાદનના બદલામાં યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવે અને તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સરકાર અને તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવી રસ્તા પર ઉતરીને સરકાર સામે આરપારની લડત આપવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!