Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં અકસ્માતો રોકવા હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સનો સપાટો, NH-48 પર બુલ્ડોઝર ફરી વળ્યા, હોટેલો-એકમોના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત; ૨,૧૨૨ વાહનચાલકો પાસેથી ₹૧૧ લાખનો દંડ વસૂલાયો!

સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે પર કાળમુખા અકસ્માતો અટકાવવા માટે ‘હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સ’ એ ભ્રષ્ટ અને ગેરકાયદેસર તત્વો સામે લાલ આંખ કરી આક્રમક કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેક્ટર, પોલીસ, આરટીઓ, માર્ગ-મકાન અને નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની બનેલી આ ટાસ્ક ફોર્સે ભરૂચ-સુરત નેશનલ હાઈવે ૪૮ પર ઝાડેશ્વરથી અંકલેશ્વર અને મુલદ ચોકડી સુધીના રોડ પર ત્રાટકીને હાઈવે ઓથોરિટીની પરવાનગી વગર ઊભા કરાયેલા તમામ દબાણો પર ભારે મશીનરી ફેરવી દીધી છે. માર્ગો પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા પ્રવેશદ્વારો, હોટેલો અને ઔદ્યોગિક એકમો દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરી હાઈવેને ખુલ્લો કરાવ્યો છે.દબાણો હટાવવાની સાથે જ રસ્તા પર બિનઅધિકૃત પાર્કિંગ અને વાહન વ્યવહારના નિયમોનો ભંગ કરનારાઓ સામે પણ આરટીઓ અને પોલીસે ડિજિટલ દંડો ઉગામ્યો છે. ટાસ્ક ફોર્સની રચના બાદથી જુલાઈ સુધીમાં હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન આરટીઓ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કુલ ૨,૧૨૨ કેસ કરીને ૧૦.૯૯ લાખનો મસમોટો દંડ ફટકાર્યો છે, જેમાં એકલા પોલીસ વિભાગે ૧,૪૧૯ કેસમાં ૭.૦૯ લાખ અને આરટીઓ વિભાગે ૭૦૩ કેસમાં ૩.૮૯ લાખનો દંડ વસૂલ કર્યો છે. હાલ હાઈવે પર અકસ્માતો નિવારવા વિશેષ પેટ્રોલીંગ તેજ કરી દેવાયું છે અને તંત્ર દ્વારા આકરી ચેતવણી આપવામાં આવી છે કે હાઈવે પર ગેરકાયદેસર દબાણ કરનારને તુરંત નોટિસ ફટકારાશે તથા આડેધડ પાર્કિંગ કરનારા વાહનોને સ્થળ પર જ ઈ-મેમો આપી કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!