એશિયામાં સૌથી વધુ શેરડી પીલાણ ક્ષમતા ધરાવતી પ્રખ્યાત બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ૧૫ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં દાયકાઓ જૂના સત્તાના સમીકરણો ધ્વસ્ત થઈ ગયા છે. છેલ્લા ૧૦ વર્ષથી સંસ્થા પર એકચક્રી શાસન ચલાવતી ભાજપપ્રેરિત ‘સહકાર પેનલ’નો ખેડૂતોએ સજ્જડ પરાજય કરીને સત્તા પરથી ઉખાડી ફેંકી છે. મુકેશ પટેલના નેતૃત્વ હેઠળની કિસાન પરિવર્તન પેનલે જંગી સરસાઈથી ઝળહળતો વિજય મેળવી સુગર ફેક્ટરી પર પોતાનો ભગવો લહેરાવ્યો છે. ભાજપ સમર્થિત પેનલની ૧ બેઠક બિનહરીફ થયા બાદ બાકીની બેઠકો પર યોજાયેલા મતદાનમાં કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોએ સહકાર પેનલના દિગ્ગજોને ૨૬૩ થી ૫૬૪ મતોના મસમોટા માર્જિનથી ભોંય ભેગા કરી દીધા છે.
આ ચૂંટણી પરિણામે પ્રદેશના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. ભાજપ સમર્થિત પેનલના મોવડી અને સુરત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ તેમજ બારડોલીના ભાજપ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર સહિતના તમામ બળુકા નેતાઓને ખેડૂત સભાસદોએ આકરા જનાદેશ સાથે ધૂળ ચાટતા કરી દીધા છે. આ ચૂંટણીનો સૌથી ચોંકાવનારો વળાંક એ રહ્યો કે બારડોલી સુગરમાં જ નોકરી કરી છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ખેડૂત સભાસદ વિનોદચંદ્ર પટેલે વિદેશથી આવીને પરિવર્તન પેનલમાંથી ઉમેદવારી કરી હતી અને સહકાર પેનલના ગિરીશ પટેલને ૪૦૩ મતોથી પછાડી ઐતિહાસિક જીત મેળવી હતી. દર વખતની જેમ આ વખતે પણ વિદેશી સભાસદોના મતોએ નિર્ણાયક ભૂમિકા ભજવીને શાસકો સામે રહેલા આક્રોશનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com