પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે મધ્યરાત્રિએ આશરે ૨ વાગ્યાના સુમારે એક ગીચ વિસ્તારની હોટેલમાં કાળજું કંપાવનારો અગ્નિકાંડ સર્જાયો છે. મોડી રાત્રે અચાનક ભભૂકેલી ભયાનક આગમાં ગાઢ ઊંઘમાં હોમાઈ જવાથી ૯ બાંગ્લાદેશી નાગરિકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બનાવની ચોંકાવનારી વિગત મુજબ, આ કમનસીબ વિદેશી નાગરિકો મેડિકલ સારવાર અર્થે કોલકાતા આવ્યા હતા અને આ હોટેલમાં રોકાયા હતા. આગ લાગતાં જ સમગ્ર જૂની ઈમારતમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસિસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ ૪ ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ૯ લોકોનો માળો વિખેરાઈ ચૂક્યો હતો.
પશ્ચિમ બંગાળમાં માત્ર ૪૮ કલાકના ગાળામાં સર્જાયેલી આ બીજી વિરાટ હોનારત છે, જેણે હોટેલ્સમાં ફાયર સેફ્ટીની કાગળ પરની પોકળ વ્યવસ્થાનો ઉઘાડો પર્દાફાશ કરી દીધો છે. આ ઘટનાના માસ બે દિવસ અગાઉ, એટલે કે ૧૭ ઓગસ્ટે બીરભૂમના પ્રખ્યાત તારાપીઠ મંદિર નજીક આવેલી ‘હોટેલ બિદેશિની’ માં વહેલી સવારે લાગેલી આગમાં પણ ૮ લોકો ભસ્મીભૂત થઈ ગયા હતા. ૨ દિવસમાં બે મોટી હોટેલોમાં ૧૭ નિર્દોષોનો હોમ થઈ જતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સના અભાવ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા ઘટનાનું ચોક્કસ કારણ જાણવા ટેકનિકલ ઈન્સ્પેક્શનની તપાસ શરૂ કરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com