આમોદના વાવડી ફળિયા વિસ્તારમાં આવેલા મોટા તળાવમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે ગંભીર જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે. અગાઉ 30 જુલાઈ 2026 ના રોજ માસૂમ બાળકો લોખંડની જાળીઓ કૂદીને મગરો વચ્ચે મચ્છી પકડવાની જીવલેણ રમત રમતા હોવાના અહેવાલો પ્રસારિત કરવા છતાં સ્થાનિક નગરપાલિકા કે તંત્રના પેટનું પાણી હલ્યું નથી. કોઈ કાયમી ઉકેલ ન આવતા પરિસ્થિતિ હવે વધુ વિકટ બની છે; તળાવમાં 2 થી 3 મોટા ખૂંખાર મગરો અને તેમના બચ્ચાઓ ખુલ્લેઆમ વિહરતા દેખાતા સમગ્ર નગરમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે. આ મગરો તળાવ કિનારે આવતા પક્ષીઓને સડસડાટ શિકાર બનાવી રહ્યા છે, જે ભવિષ્યની મોટી કરુણાંતિકાની સ્પષ્ટ ચેતવણી છે. સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત કરવાનો દાવો અને કાગળ પરની પોકળ સૂચનાઓ આપી સંતોષ માનતું તંત્ર પ્રજાના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ ખેલી રહ્યું છે.
સૌથી મોટો અને ચિંતાજનક વિષય એ છે કે આગામી દિવસોમાં દશામાની મૂર્તિઓ તેમજ ગણેશ વિસર્જન જેવા પવિત્ર તહેવારો નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નાના બાળકો આ તળાવ કિનારે ઉમટી પડશે. પાણીમાં વસતા ખૂંખાર મગરોની હાજરી વચ્ચે વિસર્જન વખતે જો કોઈ મગર શ્રદ્ધાળુ પર હુમલો કરશે, તો સર્જાનારી હોનારતની જવાબદારી કોણ લેશે? વનવિભાગ અને નગરપાલિકા દ્વારા હજુ સુધી તળાવમાં પાંજરું મૂકી મગરોને રેસ્ક્યૂ કરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે, તેને લઈને નગરજનોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે. આમોદની જનતાની એક જ પ્રબળ માંગ છે કે તંત્ર કોઈ બાળકની ચિતા બળવાની કે અનિચ્છનીય બનાવની રાહ જોયા વગર યુદ્ધના ધોરણે પાંજરા ગોઠવી તમામ મગરોને ઝડપી સુરક્ષિત સ્થળે ખસેડે અને પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023