Skip to main content

Geo Gujarat News

વાગરા તાલુકા કોંગ્રેસે સ્વ. રાજીવ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી યાદ કર્યો વારસો, આંગણવાડીઓમાં બાળકોને નાસ્તાનું વિતરણ

વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ.રાજીવ ગાંધીના રાષ્ટ્રનિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમની શરૂઆત વાગરા કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી. જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ.રાજીવ ગાંધીની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સ્મરણોને ભાવપૂર્વક વંદન કર્યું હતું. આ પ્રસંગે રાજીવ ગાંધીજીના વિચારો, યુવા ભારતના નિર્માણ માટેના તેમના પ્રયાસો તેમજ દેશના વિકાસમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે સ્થાનિક આંગણવાડીઓમાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરી કોંગ્રેસના કાર્યકરોએ બાળકો સાથે સમય વિતાવ્યો હતો. રાજકીય કાર્યક્રમને સામાજિક સેવાના કાર્ય સાથે જોડીને જરૂરિયાતમંદ અને નાના બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલે સ્વ. રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરતાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક વિકાસના પાયામાં રાજીવ ગાંધીજીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 1984થી 1989 દરમિયાન IPCL પ્લાન્ટની સ્થાપનાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઈ હતી અને રાજીવ ગાંધીજીએ તેના ખાતમુહૂર્ત સાથે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવાનો પાયો નાખ્યો હતો.આસિફ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, IPCL જેવા મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટના વિકાસ બાદ ભરૂચ, અંકલેશ્વર અને દહેજ સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો અને સમગ્ર વિસ્તારની આર્થિક પ્રગતિને નવી ગતિ મળી. તેથી ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસના ઇતિહાસમાં સ્વ.રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવું જરૂરી છે. આ શ્રદ્ધાંજલિ તથા સેવાકીય કાર્યક્રમમાં વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, જિલ્લા મહામંત્રી શકીલ રાજ, જાવિદ પટેલ, મકબુલ વકીલ, હસન ભટ્ટી, ઠાકોર તલાટી, ઇનાયત મન્સૂરી, ફિરોજ રાજ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્વ.રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે સામાજિક સેવા અને જનસેવાના સંકલ્પને આગળ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!