Skip to main content

Geo Gujarat News

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડથી ભારે ખળભળાટ, ઝેરી દારૂ પીવાથી ૪ ના મોત, ૧૮ હોસ્પિટલમાં જિંદગી સામે જંગે, મુખ્ય બુટલેગર સહિત ૨૧ સામે FIR, ૫ પોલીસકર્મી સસ્પેન્ડ!

ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધીના ધિષ્ટાંત ઉડાવતી વધુ એક ભયાનક કરુણાંતિકા સામે આવતાં સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી અને આક્રોશ વ્યાપી ગયો છે. ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડનો ઝેરી દારૂ પીવાથી ૪ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૧૮ થી વધુ લોકો સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝેરી રસાયણયુક્ત દારૂના સેવનથી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયેલા દર્દીઓ પૈકી ૨ ની હાલત અત્યંત નાજુક છે, ૪ દર્દીઓ ICU માં તથા ૨ વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ૧૬ ઓગસ્ટની રાત્રે ઘોઘાના ખરકડી ગામે મિત્રોએ કરેલી દારૂ પાર્ટી બાદ આ કાળમુખી ઘટના ઘટી હતી. જિલ્લા કલેક્ટરે મૃતકોમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહીલ, ઘનશ્યામસિંહ અને શંકાસ્પદ મૃત્યુ પામેલા નરેન્દ્ર યાદવનો સમાવેશ થતો હોવાની પુષ્ટિ કરી છે.આ ભયાનક લઠ્ઠાકાંડ બાદ સફાળા જાગેલા પોલીસ તંત્રે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ ૨૧ અસામાજિક તત્વો સામે BNS અને પ્રોહિબિશનની કડક કલમો હેઠળ ગુનો નોંધી ૪ બુટલેગરોને ડિટેઇન કર્યા છે. આ ઉપરાંત, સ્થાનિક પોલીસની ઘોર નિષ્ક્રિયતા અને હપ્તાખોરી સામે લાલ આંખ કરીને જિલ્લા SP એ નીલમબાગ પોલીસ સ્ટેશનના ૧ અને વરતેજ પોલીસ સ્ટેશનના ૪ મળીને કુલ ૫ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. ઘટનાની ગંભીરતાને પગલે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમે પણ વરિષ્ઠ અધિકારીઓને જાણ ન કરવા બદલ ભાવનગર SP પાસે લેખિત ખુલાસો માંગ્યો છે. તંત્રે રવિવાર અને સોમવારે આ ઝેરી દારૂનું સેવન કરનાર તમામ લોકોને ત્વરિત તબીબી તપાસ કરાવવાની આકરી અપીલ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!