ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓની ધજીયા ઉડાવતો વધુ એક ભયાનક લઠ્ઠાકાંડ સામે આવ્યો છે, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે. ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બ્રાન્ડેડ બોટલોમાં ભરીને ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે ૬ નિર્દોષ યુવકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે ૨૧ થી વધુ લોકો ગંભીર ઝેરી અસર થતાં હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝોલાં ખાઈ રહ્યા છે. બનાવની ગંભીરતા જોઈ ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી તપાસ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ ના એસપી મયૂર ચાવડા અને આઈજી જે. રાજુ અન્સારીની હાઈપાવર ટીમને સોંપી દીધી છે. એફએસએલ અને મેડિકલ તપાસમાં સણસણતો ખુલાસો થયો છે કે, બુટલેગરો દ્વારા વેચાયેલા પ્રવાહીમાં સામાન્ય ઇથેનોલ માત્ર ૦.૯૪% જ હતું, જ્યારે માનવ શરીરને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી નાખતું ૩૮.૫૯% ઘાતક મિથેનોલ કેમિકલ ભેળવવામાં આવ્યું હતું.
આ કાળમુખા કાંડનો પર્દાફાશ એક પોલીસ કર્મચારીની ખુશીની પાર્ટીથી થયો હતો. પોલીસ ભરતીમાં સિલેક્ટ થયેલા ખરકડી ગામના વિજયરાજસિંહ ગોહિલે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ, હરપાલસિંહ અને જયદીપસિંહને પાર્ટી આપી હતી. જેમાં રોયલ સ્ટેગની ઝેરી બોટલમાંથી દારૂ પીતાં જ ૧૮ ઓગસ્ટે ઉપેન્દ્રસિંહનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને સિન્ડિકેટનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, આંતરરાજ્ય બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસે મનોજ, જતીન તથા અમદાવાદના સરખેજમાંથી ખાલી બોટલો, સ્ટીકરો અને મિથેનોલ મંગાવી ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ઊભું કર્યું હતું. દારૂનું કેમિકલ મિશ્રણ તૈયાર કરવા ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ ઉર્ફે ડોક્ટર નામના શખસને બોલાવાયો હતો, જેણે પોતે પણ આ ઝેરી દારૂ પી લેતાં ૧૮ ઓગસ્ટે તેનું પણ મોત નીપજ્યું હતું.
બુટલેગરોના આ ખતરનાક નેટવર્કે પ્રથમ તબક્કે જ બનાવેલી ૫૧ પેટી ઝેરી દારૂ ગામડાઓમાં સપ્લાય કરી દીધો હતો. ઘટના બાદ વરતેજ પોલીસે પી.આઈ. એસ.બી. પઢેરિયાની ફરિયાદ આધારે ગૌતમ સોલંકી, રઈસ, મનોજ, જતીન સહિત ૨૧ બુટલેગરો સામે ગુનો નોંધી કાયદાનો શિકંજો કસ્યો છે. બીજી તરફ, સ્થાનિક સ્તરે અક્ષમ્ય બેદરકારી દાખવનાર વરતેજ પોલીસ મથકના ૪ પોલીસ કર્મચારીઓ (બીટ જમાદાર ધર્મપાલસિંહ ગોહિલ, ડી સ્ટાફના જયરાજસિંહ, અનિરૂદ્ધસિંહ અને ધર્મપાલસિંહ) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ૨૦૦૯ ના અમદાવાદ લઠ્ઠાકાંડ (૧૪૦+ મોત), ૨૦૧૬ ના વરેલી (૧૬ મોત), ૨૦૨૨ ના બોટાદ કેમિકલકાંડ (૪૦+ મોત), ૨૦૨૪ ના લીહોડા અને ૨૦૨૫ ના નડિયાદ કાંડ બાદ ઓગસ્ટ ૨૦૨૬ નો આ ભાવનગર લઠ્ઠાકાંડ સાબિત કરે છે કે બુટલેગરો અને ખાખી વર્ધીની ભ્રષ્ટ મિલીભગત નિર્દોષોના બલિદાન લઈ રહી છે, જેને નાથવા SMC એ સમગ્ર વિસ્તારમાં વિરાટ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com