Skip to main content

Geo Gujarat News

જંબુસરની યુવતી કેસમાં અનેક સવાલો, પરિવારના ગંભીર આક્ષેપો વચ્ચે યુવતીનો દાવો-યુવક સાથે 3 વર્ષથી સંબંધ હતો, મારી મરજીથી લગ્ન કર્યા! સત્ય શુ!?

એક જ કેસ, બે વિરોધાભાસી કહાનીઓ અને સત્ય વચ્ચે ઊભા થયેલા અનેક સવાલો…જંબુસરની 24 વર્ષીય યુવતીના કેસમાં પરિવારના ગંભીર આક્ષેપો બાદ હવે યુવતી ખુદ સામે આવીને ફેઝલ સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો દાવો કરી રહી છે. એક તરફ પરિવાર લગ્નની લાલચ આપી ભગાડી જવા અને ‘બનાવટી મેરેજ સર્ટિફિકેટ’ના આક્ષેપો કરી રહ્યો છે, તો બીજી તરફ યુવતી ત્રણ વર્ષના સંબંધ અને કાયદેસર લગ્ન પ્રક્રિયાનો દાવો કરી રહી છે. પરિણામે હવે આ સમગ્ર પ્રકરણમાં સાચું શું? સર્ટિફિકેટ અસલી કે બનાવટી? અને આખરે કોનો દાવો સાચો? તે સવાલો તપાસના કેન્દ્રમાં આવ્યા છે. વાંચો આ ખાસ એહવાલ…
લગ્નની લાલચ આપી ભગાડી જવાના અને બનાવટી મેરેજ સર્ટિફિકેટના આક્ષેપો વચ્ચે સમગ્ર કેસમાં નવો વળાંક,
FIR, પરિવારના આક્ષેપો અને યુવતીના વીડિયો નિવેદનથી તપાસમાં ઊભા થયા અનેક સવાલો :
જંબુસરના એક શિક્ષકની 24 વર્ષીય પુત્રીને લગ્નની લાલચ આપી ભગાડી જવાના અને બાદમાં લગ્નનું બનાવટી પ્રમાણપત્ર તૈયાર કરાવવાના આક્ષેપો વચ્ચે નોંધાયેલા કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. એક તરફ યુવતીના પરિવાર દ્વારા કરજણ તાલુકાના કિયા ગામના ફેઝલ મજીદ દિવાન સામે ગંભીર આક્ષેપો સાથે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો બીજી તરફ યુવતી સોશિયલ મીડિયામાં પોતે વીડિયોમાં સામે આવીને ફેઝલ સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હોવાનો અને પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાનું કહી રહી છે. સમગ્ર મામલે હવે પોલીસ તપાસનું કેન્દ્રબિંદુ માત્ર યુવતીને ભગાડી જવાનો મુદ્દો નહીં, પરંતુ મેરેજ સર્ટિફિકેટની હકીકત, લગ્ન નોંધણીની કાયદેસર પ્રક્રિયા અને તેમાં સંકળાયેલા લોકોની ભૂમિકા બની છે. ફરિયાદ મુજબ, 24 વર્ષીય યુવતી વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે 7 મે 2026ના રોજ યુવતીએ પરિવારને ફોન કરીને કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવ્યું હતું. પરિવારના જણાવ્યા મુજબ, યુવતી ઘરેથી આશરે 6 તોલાનો સોનાનો હાર લઈને ગઈ હતી. ત્યારબાદ યુવતીનો સંપર્ક ન થતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. સાથે જ જંબુસર પોલીસ મથકે પણ અરજી આપવામાં આવી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફેઝલ દિવાને યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેને વડોદરાથી લઈ ગયો હતો અને ત્યારબાદ લગ્ન થયાનો દાવો કરવામાં આવ્યો હતો. FIRના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પરિવારનો આક્ષેપ: મેરેજ સર્ટિફિકેટ શંકાસ્પદ છે, યુવતીનું નિવેદન: હું મારી મરજીથી ગઈ હતી, સર્ટિફિકેટ અમે બનાવ્યું નથી: પરિવારનો વધુ એક ગંભીર આક્ષેપ મેરેજ સર્ટિફિકેટને લઈને સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, ફેઝલ દિવાનના સગા દ્વારા જંબુસર પોલીસ મથકે યુવતી અને ફેઝલના લગ્ન થયાનું દર્શાવતું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, પરિવાર દ્વારા આ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે વડોદરાની લગ્ન નોંધણી અને સબ-રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ, સંબંધિત કચેરીએ લેખિતમાં સ્પષ્ટતા કરી હતી કે, સરકારી રેકોર્ડમાં યુવતી અને ફેઝલના નામે કોઈ લગ્ન નોંધાયેલા નથી. આ બાબત સામે આવતા પરિવાર દ્વારા સર્ટિફિકેટ બનાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. તો બીજી તરફ, સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક યુવતીના વીડિયો નિવેદનથી આવ્યો છે. યુવતીએ જણાવ્યું છે કે તે ફેઝલ દિવાન સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં હતી અને બંનેએ પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. યુવતીના જણાવ્યા મુજબ, Special Marriage Act હેઠળ લગ્ન નોંધણી માટે 8 મે 2026ના રોજ કુબેર ભવન ખાતે એડવોકેટ ભરત વણકર મારફતે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ 30 દિવસના નોટિસ પિરિયડ બાદ 15 જૂન 2026ના રોજ કુબેર ભવનની મેરેજ રજિસ્ટ્રેશન કચેરીમાં લગ્નની પ્રક્રિયા કરવામાં આવી હતી. અને 19 જૂન 2026ના રોજ તેમને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. યુવતીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું છે કે ફેઝલની 17 ઓગસ્ટે થયેલી ધરપકડ બાદ પોલીસ પૂછપરછ દરમિયાન તેમને જાણ થઈ હતી કે, જે મેરેજ સર્ટિફિકેટ તેઓ સાચું માનતા હતા, તે ખોટું હોવાનું કહેવાઈ રહ્યું છે. યુવતીનો દાવો છે કે આ સર્ટિફિકેટ તેણે કે ફેઝલે બનાવ્યું નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા સંભાળનાર એડવોકેટ દ્વારા આપવામાં આવ્યું હતું. યુવતીના જણાવ્યા મુજબ, લગ્નની પ્રક્રિયા અને અન્ય ખર્ચના નામે પૈસા લેવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. વીડિયો નિવેદનમાં યુવતીએ પોલીસ સમક્ષ નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. યુવતીના જણાવ્યા મુજબ, જો મેરેજ સર્ટિફિકેટ ખરેખર ખોટું હોય તો તેની પાછળ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ તેણે ફેઝલ સામે કરવામાં આવેલા આક્ષેપોની પણ પુનઃતપાસ કરવાની માંગ કરી છે.

CCTV તપાસની યુવતીની માંગ,
દિવાળીપુરા કોર્ટ અને કુબેરભવનના CCTV ચેક કરાવો, સાચી હકીકત બહાર આવશે: યુવતી :
યુવતીએ પોતાના સોશિયલ મીડિયા વીડિયો/પોસ્ટમાં વધુ એક ગંભીર દાવો કરતાં પોલીસને 8 મે 2026 અને 15 જૂન 2026ના રોજ વડોદરાના દિવાળીપુરા કોર્ટ રોડ તથા કુબેરભવન ખાતેના CCTV કેમેરાના ફૂટેજ ચેક કરવાની માંગ કરી છે. યુવતીના જણાવ્યા મુજબ, જો આ સ્થળોના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તો લગ્નની પ્રક્રિયા અને સમગ્ર ઘટનાક્રમ અંગેની હકીકત સામે આવી શકે છે. યુવતીનો આક્ષેપ છે કે એડવોકેટ ભરત વણકરે તેમની પાસેથી ઓરિજિનલ દસ્તાવેજો અને સહી કરાવી હતી અને ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ આપ્યું હતું, જેને તેણે પોલીસ સ્ટેશનમાં પણ રજૂ કર્યું હતું. યુવતીનો વધુ દાવો છે કે લગ્ન માટેની પ્રક્રિયામાં એક મહિનાનો નોટિસ પિરિયડ પૂર્ણ થયો હતો. અને તેની પાસેથી ચુકવણી પણ લેવામાં આવી હતી. હવે યુવતી પોલીસ અને કોર્ટ સમક્ષ માંગ કરી રહી છે કે, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે CCTV ફૂટેજ સહિતના તમામ દસ્તાવેજી પુરાવા ચકાસવામાં આવે અને જો કોઈ વ્યક્તિએ ખોટું પ્રમાણપત્ર તૈયાર કર્યું હોય તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે, પોસ્ટમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે. અને CCTV તથા સરકારી રેકોર્ડની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે.
બોગસ મેરેજ સર્ટિફિકેટનો રહસ્ય ઉકેલો, દોષિત હોય તો કડક સજા કરો! જંબુસર યુવતી કેસમાં સૌથી ગંભીર અને ચોંકાવનારો મુદ્દો બનીને સામે આવેલું કથિત બોગસ મેરેજ સર્ટિફિકેટ હવે માત્ર એક દસ્તાવેજનો વિવાદ નથી, પરંતુ સમગ્ર લગ્ન પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે મોટો સવાલ છે. જો ખરેખર સરકારી પ્રક્રિયા વિના ખોટું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હોય તો તે કોણે બનાવ્યું? કોના કહેવા પર બનાવ્યું અને તેનો ઉપયોગ કેવી રીતે થયો? આ તમામ કડીઓ સુધી પોલીસ અને સંબંધિત તંત્રએ ઊંડાણપૂર્વક પહોંચવું જરૂરી છે. યુવતી દ્વારા પણ CCTV, દસ્તાવેજો અને સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે ત્યારે પુરાવા સામે લાવી સત્ય બહાર લાવવું હવે તપાસ એજન્સીઓની જવાબદારી છે. જો તપાસમાં કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો કાયદાની જોગવાઈ મુજબ તેની સામે કડક કાર્યવાહી અને સજા થવી જોઈએ, જેથી આવા કથિત બોગસ દસ્તાવેજોના ગોરખધંધા પર રોક લાગી શકે.હવે આ કેસમાં તપાસના કેન્દ્રમાં ત્રણ મહત્વના મુદ્દા, બંને પક્ષોના દાવા વચ્ચે સત્ય શું? ગંભીર તપાસનો વિષય! સમગ્ર કેસમાં હાલ બે વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. એક તરફ પરિવારનો આક્ષેપ છે કે યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જવામાં આવી અને બનાવટી સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે બીજી તરફ યુવતી પોતે પોતાની મરજીથી સંબંધ અને લગ્ન કરવાનો દાવો કરી રહી છે. આ પરિસ્થિતિમાં હવે પોલીસ તપાસ માટે સૌથી મહત્વના મુદ્દા બની રહ્યા છે કે શું ખરેખર Special Marriage Act હેઠળ કાયદેસર રીતે અરજી કરવામાં આવી હતી? 30 દિવસની નોટિસ અને લગ્ન પ્રક્રિયાના સરકારી રેકોર્ડ ઉપલબ્ધ છે કે નહીં? રજૂ કરાયેલ મેરેજ સર્ટિફિકેટ સાચું છે કે ખોટું? અને જો સર્ટિફિકેટ બનાવટી હોય તો તેને કોણે તૈયાર કર્યું અને કોના દ્વારા આપવામાં આવ્યું? કાયદાકીય રીતે મહત્વની બાબત એ પણ છે કે યુવતી પુખ્ત વયની છે. અને તેનું નિવેદન તપાસમાં મહત્વનો આધાર બની શકે છે. જોકે, માત્ર નિવેદન કે ફરિયાદના આધારે અંતિમ સત્ય નક્કી થઈ શકતું નથી. પરિવારના આક્ષેપો, યુવતીનું નિવેદન, મેરેજ સર્ટિફિકેટ, સરકારી રેકોર્ડ, સંબંધિત કચેરીઓના દસ્તાવેજો અને પોલીસ તપાસના પુરાવાના આધારે જ સમગ્ર ઘટનાક્રમનું સાચું ચિત્ર બહાર આવી શકશે. હાલ આ કેસમાં એક તરફ પરિવારની ફરિયાદ, બીજી તરફ યુવતીનું વીડિયો નિવેદન અને ત્રીજી તરફ મેરેજ સર્ટિફિકેટને લઈને ઊભા થયેલા વિવાદને કારણે સમગ્ર પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હવે પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે કે આ સમગ્ર મામલામાં હકીકત શું છે અને જવાબદારી કોની છે.આક્ષેપો અને નિવેદનોની સત્યતા તપાસનો વિષય: જંબુસર યુવતી કેસ અંગેનો આ અહેવાલ પોલીસ ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો તેમજ યુવતી દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે બંને પક્ષોના દાવાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે ઘટનાની વાસ્તવિકતા અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલ મેરેજ સર્ટિફિકેટની ખરાઈ, સરકારી રેકોર્ડ, CCTV ફૂટેજ તથા અન્ય સંબંધિત પુરાવાઓની તપાસ થવી જરૂરી છે. આ તમામ પુરાવાઓની ચકાસણી બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થઈ શકે છે. તેથી અહેવાલમાં રજૂ થયેલા કોઈપણ આક્ષેપ અથવા દાવાને અંતિમ સત્ય તરીકે માનવો યોગ્ય નથી. આ તમામ બાબતો હાલ તપાસનો વિષય છે. અને સત્તાવાર તપાસ તથા પુરાવાઓના આધારે જ જવાબદારી નક્કી થઈ શકશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!