ભરૂચ શહેરના આર.કે. કાસ્ટા શોપિંગ સેન્ટરમાં લિફ્ટના મેઇન્ટેનન્સ અને સેફ્ટીમાં રખાયેલી ભયાનક લાપરવાહીના કારણે એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. જૂના તવરા ગામના રહેવાસી ૪ વર્ષીય માસુમ બાળક તીર્થરાજસિંહ પરમારને તાવ-બીમારીની સારવાર અર્થે કોમ્પ્લેક્સમાં આવેલી ચાઇલ્ડકેર હોસ્પિટલે લઈ જઈ રહેલાં કમનસીબ માતા-પિતાની નજર સામે જ બાળક લિફ્ટ અને બીજા માળના ફ્લોર વચ્ચેના મોટો ખાંચામાંથી સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો. ધડામ અવાજ સાથે નીચે પટકાતાં માસુમ ટીકુડાના માથાના ભાગે ભયાનક ઈજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં પ્રથમ ભરૂચ અને ત્યારબાદ અત્યંત ગંભીર સ્થિતિમાં વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પરિવાર લિફ્ટમાં બેસી બીજા માળે પહોંચ્યો ત્યારે અચાનક ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ ખોટકાઈ ગઈ હતી. ગભરાયેલા પરિવારે બૂમાબૂમ કરતાં સિક્યુરિટી અને સ્થાનિકોએ આવી લિફ્ટનો દરવાજો ખોલી બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે લિફ્ટ અનિયંત્રિત રીતે ઉપર-નીચે થતાં ફ્લોર વચ્ચે ભયાનક ગેપ સર્જાયો હતો. આ દરમિયાન બાળકે સંતુલન ગુમાવતાં તે સીધો નીચે ખાબક્યો હતો. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, આ કાળમુખી લિફ્ટમાં સવારે પણ ખામી સર્જાઈ હતી અને લોકો ફસાયા હતા, છતાં લાલચુ અને લાપરવાહ મેનેજમેન્ટે તેને બંધ કરવાની તસ્દી ન લીધી. ઘટના બાદ દોડી આવેલી પોલીસે લિફ્ટને તાત્કાલિક સીલ કરી દીધી છે. પ્રજાના જીવ સાથે રમત રમતી લિફ્ટ એજન્સી અને કોમ્પ્લેક્સ બિલ્ડર-મેનેજમેન્ટ સામે ગુનો નોંધી કડકમાં કડક જેલની સજા ફટકારવા લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com