અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંદાડા તરફ જતા અત્યંત વ્યસ્ત માર્ગ પર ચોમાસાના આરંભથી જ સર્જાતી જળબંબાકારની ગંભીર સમસ્યા સામે આખરે માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે. દર ચોમાસે માર્ગ પર વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા, જેના મુખ્ય કારણરૂપે રોડની બંને તરફ આવેલી ગટરો લાંબા સમયથી કાદવ-કચરાથી તદ્દન પુરાઈ ગઈ હતી. લોકરોષ અને તીવ્ર ફરિયાદો બાદ આખરે તંત્ર દ્વારા કચરાથી પુરાયેલી ગટરોને જેસીબી મશીનો વડે ખોદીને સફાઈ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ગટરો ખુલ્લી કરીને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ બનાવવાની કામગીરી શરૂ થતાં વાહનચાલકોને ચોમાસામાં જળભરાવની સમસ્યામાંથી રાહત મળવાની આશા જાગી છે, પરંતુ બીજી તરફ તંત્રના આ અડધા-પડધા આયોજન સામે આસપાસની સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે.
સ્થાનિક નાગરિકોએ અધિકારીઓ સમક્ષ સણસણતી રજૂઆત કરતાં આક્ષેપ કર્યો છે કે ગટરમાંથી બહાર કાઢવામાં આવતા પાણીના યોગ્ય નિકાલની કોઈ સુવ્યવસ્થિત યોજના નથી. આ અણઘડ કામગીરીના કારણે ગટરનું પાણી તેમની સોસાયટીઓમાં ઘૂસી જવાનો અને આખો વિસ્તાર જળમગ્ન થવાનો મોટો ભય ઊભો થયો છે, જેને પગલે સોસાયટી ધારકોએ તંત્રને ત્વરિત અને આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com