Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગનો સપાટો, 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત, 7 વાહનો સીઝ, 13.85 લાખની દંડકીય કાર્યવાહી

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત વહન સામે ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે હવે કડક વલણ અપનાવ્યું છે. વિભાગની તપાસ ટીમે વહેલી સવારે વિવિધ માર્ગો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી એકસાથે 7 વાહનોને ઝડપી સીઝ કર્યા છે. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ રૂ.13.85 લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. ભુસ્તરશાસ્ત્રી, ભરૂચના માર્ગદર્શન હેઠળ વિભાગની ટીમે ભરૂચ-દહેજ રોડ, નેશનલ હાઇવે પર વરેડિયા નજીક તેમજ ઝઘડિયા-રાજપારડી રોડ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત વહન કરતા વાહનો ઝડપાતા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસમાં સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતા GJ-16-AV-0650 અને GJ-16-AY-8546 વાહનો ઝડપાયા હતા. ઉપરાંત બ્લેકટ્રેપનું બિનઅધિકૃત વહન કરતા GJ-06-AV-0712, GJ-16-AY-9152 અને GJ-88-AT-7833 તેમજ ગ્રેવલ ખનિજનું બિનઅધિકૃત વહન કરતા GJ-16-AW-1225 અને GJ-16-AW-4751 વાહનોને પણ સીઝ કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો છે કે જિલ્લામાં ખનિજના ગેરકાયદેસર વહનને કોઈપણ રીતે ચલાવી લેવામાં નહીં આવે. એક જ ઝાટકામાં 7 વાહનો સીઝ અને કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત થતાં ખનિજના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ખનિજ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી બાદ હવે સવાલ એ છે કે જિલ્લામાં હજુ કેટલા સ્થળોએ ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન ચાલી રહ્યું છે? વિભાગની આગામી તપાસમાં આવા વધુ કિસ્સાઓ બહાર આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે. ખનિજ માફિયાઓ સામે શરૂ થયેલી આ ઝુંબેશ માત્ર કાગળ પર નહીં, પરંતુ મેદાનમાં પણ સતત ચાલુ રહે અને ગેરકાયદે પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચે તેવી માંગ ઉઠી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!