ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને કોંગ્રેસના જનપ્રિય અગ્રણી નેતા સ્વ. અહમદ પટેલની જન્મજયંતી નિમિત્તે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સાથે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સ્વ.અહમદ પટેલની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના લોક કલ્યાણલક્ષી કાર્યો અને વિસ્તારના વિકાસમાં આપેલા યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા. વાગરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોદ્દેદારો તથા આગેવાનોએ સ્વ.અહમદ પટેલના જાહેર જીવનમાં આપેલા યોગદાનને સ્મરણ કરી તેમના વિચારો અને સેવાભાવને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ આગેવાનો વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓની ખબર-અંતર પૂછી માનવતાભરી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી હતી.
હોસ્પિટલના ડાયાલિસિસ વોર્ડ, જનરલ વોર્ડ તેમજ ગાયનેક વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને સગર્ભા મહિલાઓને કોંગ્રેસના આગેવાનો દ્વારા ફળની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ સાથે સંવાદ કરી તેમની તબિયત અંગે પૂછપરછ કરવામાં આવી હતી. સ્વ.અહમદ પટેલની જન્મજયંતીને માત્ર સ્મરણ દિવસ પૂરતી સીમિત ન રાખી સમાજસેવા સાથે જોડવાનો આ પ્રયાસ સ્થાનિક સ્તરે નોંધપાત્ર રહ્યો હતો. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ, ઉપપ્રમુખ ઉસ્માન પટેલ, મહામંત્રી વસીમ સહેરી, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શકીલ રાજ, જાવેદ પટેલ, ઠાકોર તલાટી, મકબુલ વકીલ, મુસ્તકીમ ભટ્ટી, રાજ શહબાઝ, જાકિર મલેક સહિત કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com