Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોટલો સામે તંત્રનો ડિજિટલ દંડો, અસ્વચ્છતા અને વાસી ખોરાક પીરસતી હોટલ સીલ, મીઠાઈ-ડેરી એકમો પર ત્રાટકી ટીમ!

આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારો તથા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખેલ કરતા હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય એકમોના સંચાલકો સામે આકરા પ્રહારો શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણેના આકરા નિર્દેશો બાદ વહીવટી તંત્ર, પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમોએ સમગ્ર જિલ્લામાં દરોડાનો ધમધમાટ બોલાવી દીધો છે. ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ડીવાયએસપી સી.કે. પટેલની આગેવાની હેઠળ મામલતદાર, ચીફ ઓફિસર, ફૂડ સેફ્ટી અને ફાયર વિભાગની વિજિલન્સ ટીમે બાયપાસ વિસ્તારમાં આવેલી ૧૦ થી ૧૧ જેટલી નામાંકિત હોટલ-રેસ્ટોરન્ટોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાંથી ફૂડ સેફ્ટી એક્ટના શેડ્યૂલ-૪ ના ખુલ્લેઆમ ધિષ્ટાંત ઉડતા જોવા મળ્યા હતા.તપાસ દરમિયાન હોટલોના રસોડામાંથી અત્યંત અસ્વચ્છતા, દુર્ગંધ મારતો વાસી ખોરાક અને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી સડેલી ખાદ્ય સામગ્રીઓનો જથ્થો મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તંત્રે સ્થળ પર જ વાસી ખોરાકનો નાશ કર્યો હતો અને પનીર સહિતની ચીજોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ભયાનક અસ્વચ્છતા અને નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ એક હોટલને તાત્કાલિક ધોરણે સીલ મારી દેવામાં આવ્યું છે, જ્યારે અન્ય ક્ષતિયુક્ત એકમોને માપદંડો પૂર્ણ ન થાય ત્યાં સુધી ધંધો-રોજગાર સસ્પન્ડ રાખવા કડક તાકીદ કરાઈ છે. અંકલેશ્વર સહિત તમામ તાલુકાઓમાં મીઠાઈ, ડેરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટફૂડ સેન્ટરો પર સતત દરોડા પાડવાની ચેતવણી આપતાં તંત્રે સ્પષ્ટ કર્યું છે કે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને બક્ષવામાં આવશે નહીં અને તેમના સામે આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!