Skip to main content

Geo Gujarat News

જાપાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ટોક્યો, 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત, વાહનવ્યવહાર અને વીજળી ખોરવાતા જનજીવન પ્રભાવિત

જાપાનની રાજધાની ટોક્યો સહિત દેશના પૂર્વીય વિસ્તારોમાં રવિવારે વહેલી સવારે ભૂકંપનો ભારે આંચકો અનુભવાતા ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના કારણે વિવિધ ઘટનાઓમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જાપાન હવામાન એજન્સીના આધારે દક્ષિણ ઇબારાકી પ્રીફેક્ચરમાં જમીનથી આશરે 70 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જોકે, રાહતની વાત એ રહી હતી કે ભૂકંપની તીવ્રતા હોવા છતાં દરિયાઈ વિસ્તારમાં સુનામી અંગે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નહોતીધરતીકંપના આંચકાના કારણે વિસ્તારની માળખાકીય સુવિધાઓ અને વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી. ટોક્યોથી નરીતા એરપોર્ટ તરફ જતી એક્સપ્રેસ અને ઉત્તર-પૂર્વ જાપાનની સ્થાનિક ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જોકે બુલેટ ટ્રેન (શિંકનસેન)નું સંચાલન સામાન્ય રહ્યું હતું. ટોક્યોના કોટો વિસ્તારમાં ભૂગર્ભ વોટર પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે 460થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. ઘટના બાદ વડાપ્રધાન સનાઈ તકાઈચીએ તાકીદની બેઠક બોલાવી રાહત-બચાવ ટીમોને તૈનાત કરી સ્થિતિ થાળે પાડી હતી. નોંધનીય છે કે, થોડા અઠવાડિયા પૂર્વે જ ક્યુશુ ટાપુમાં આવેલા 7.1ની તીવ્રતાના ભૂકંપમાં 38 લોકોના મોત અને ભારે હોનારત સર્જાઈ હતી, જેના કારણે આ તાજેતરના આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!