Skip to main content

Geo Gujarat News

લઠ્ઠાકાંડથી સરકાર ચોંકી, ભરૂચમાં કેમિકલ યુનિટો પર તંત્રની કડક નજર, 4 ટીમો મેદાનમાં, મિથેનોલ-ઇથેનોલનો એક-એક ટીપાનો હિસાબ તપાસાયો

ભાવનગરમાં મિથેનોલયુક્ત દારૂના સેવનથી 10થી વધુ લોકોનાં મોત અને અનેક લોકોની ગંભીર હાલત બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટનાની ગંભીર અસર હવે રાજ્યના સૌથી મોટા કેમિકલ હબ પૈકીના ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. લઠ્ઠાકાંડ બાદ ભરૂચ જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગે મિથેનોલ અને ઇથેનોલના ગેરકાયદે ઉપયોગ કે હેરફેરને લઈને કમર કસી છે અને ચાર વિશેષ ટીમો દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અંદાજે 400 જેટલા લાયસન્સ ધારકો અને 150થી વધુ કેમિકલ યુનિટો આવેલા હોવાથી તંત્ર માટે પણ આ તપાસ મહત્વપૂર્ણ બની છે. મિથેનોલ કે ઇથેનોલનો જથ્થો ધરાવતી કંપનીઓમાં ટીમો દ્વારા સ્ટોક રજિસ્ટરથી લઈને ખરીદી અને સપ્લાય સુધીની વિગતો ચકાસવામાં આવી રહી છે. કંપનીના રેકોર્ડમાં કેટલો જથ્થો દર્શાવવામાં આવ્યો છે, હાલમાં વાસ્તવમાં કેટલો જથ્થો ઉપલબ્ધ છે અને અગાઉ કેટલો જથ્થો કોને આપવામાં આવ્યો હતો તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ રહી છે. માત્ર કાગળ પરના હિસાબ પૂરતા ન રાખીને જે ગ્રાહક કે કંપનીને મિથેનોલ આપવામાં આવ્યું હોય તેની પાસે જરૂરી લાયસન્સ અને મંજૂરી છે કે નહીં તેની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. એટલે કે મિથેનોલ ક્યાંથી આવ્યું, ક્યાં ગયું અને કોના ઉપયોગમાં આવ્યું—આ સમગ્ર સપ્લાય ચેઇન પર તંત્રની નજર છે. લાયસન્સ વિના ઇથેનોલ અથવા મિથેનોલનો જથ્થો મળી આવશે તો સંબંધિત વ્યક્તિ કે એકમ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી ભાવિનભાઈના જણાવ્યા મુજબ, સામાન્ય દિવસોમાં પણ ઔદ્યોગિક એકમોમાં નિયમિત ચેકિંગ, સેમિનાર અને વન-ટુ-વન માર્ગદર્શન કરવામાં આવે છે. જોકે ભાવનગરની ગંભીર ઘટનાને પગલે હવે સુરક્ષાના ભાગરૂપે તમામ લાયસન્સ ધારકોની વિશેષ તપાસ માટે ચાર ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ કે ગેરકાયદેસર બાબત સામે આવી નથી, તેમ વિભાગે જણાવ્યું છે. મિથેનોલ સામાન્ય ઔદ્યોગિક ઉપયોગમાં આવતું રસાયણ છે, પરંતુ તેનું સેવન અત્યંત ઝેરી સાબિત થઈ શકે છે. શરીરમાં પ્રવેશ્યા બાદ તે ઝેરી પદાર્થોમાં રૂપાંતરિત થઈ આંખોની દ્રષ્ટિ, મગજ અને અન્ય મહત્વપૂર્ણ અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ગંભીર ઝેરની સ્થિતિમાં કાયમી અંધાપો, અંગોની નિષ્ફળતા અને મૃત્યુ સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી ઔદ્યોગિક કેમિકલનો ગેરકાયદે ઉપયોગ કે તેને નશીલા પદાર્થોમાં ભેળવવાનો પ્રયાસ અત્યંત જીવલેણ બની શકે છે. ભાવનગરની ઘટનાએ ભલે સમગ્ર તંત્રને એલર્ટ કરી દીધું હોય, પરંતુ હવે ભરૂચમાં તપાસ માત્ર કાગળ પર નહીં, પરંતુ કેમિકલના સ્ટોકથી લઈને તેના અંતિમ ખરીદદાર સુધી પહોંચે તે જરૂરી બન્યું છે. ચાર ટીમોની કાર્યવાહીથી ગેરકાયદેસર રીતે મિથેનોલ-ઇથેનોલની હેરફેર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્રનું સ્પષ્ટ વલણ છે કે લાયસન્સ વગરનો જથ્થો કે શંકાસ્પદ હેરફેર ઝડપાશે તો કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!