ઉદ્યોગો નજીક, રોજગારી દૂર! સરનાર ગામના શિક્ષિત યુવાનોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ: ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનોને નજીકમાં આવેલી વિલાયત અને સાયખા GIDCની કંપનીઓમાં રોજગારી આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠીએ રજૂઆત કરી સ્થાનિક યુવાનોની રોજગારીનો મુદ્દો ઉગ્રતાથી ઉઠાવ્યો હતો. આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરનાર ગામથી માત્ર થોડાજ અંતરે આવેલ વિલાયત અને સાયખા GIDCમાં અનેક કંપનીઓ કાર્યરત હોવા છતાં ગામના શિક્ષિત અને લાયક યુવાનોને અપેક્ષિત રોજગારીની તકો મળી રહી નથી. સ્થાનિક યુવાનોના જણાવ્યા મુજબ કંપનીઓમાં બહારથી આવતા લોકોને નોકરીની તકો આપવામાં આવે છે, જ્યારે ઉદ્યોગોની આસપાસ વસતા સ્થાનિક યુવાનો રોજગારી માટે ભટકવાની સ્થિતિમાં છે. રજૂઆતકર્તાઓએ સ્પષ્ટ માંગ કરી છે કે સર્નાર સહિત આસપાસના ગામોના લાયકાત ધરાવતા શિક્ષિત યુવાનોને GIDCની કંપનીઓમાં તેમની શૈક્ષણિક લાયકાત અને કૌશલ્ય મુજબ રોજગારીની તકો આપવામાં આવે. ઉદ્યોગો માટે જમીન, પર્યાવરણ અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ થતો હોય ત્યારે સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા મળવી જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી છે. સરનારના યુવાનોની આ રજૂઆતથી ઘરની બાજુમાં ઉદ્યોગો છતાં રોજગારી માટે બહાર કેમ ભટકવું? તેવો સવાલ ઊભો થયો છે. હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત GIDC કંપનીઓ આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને સ્થાનિક શિક્ષિત યુવાનો માટે રોજગારીના દરવાજા ખોલવા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com