Skip to main content

Geo Gujarat News

ભરૂચ: તહેવારો પહેલા ડુંગળીના ભાવનો ડુંગળો! કિલો 50 સુધી પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

મોંઘવારીના માર વચ્ચે હવે રસોડાની રોજિંદી જરૂરિયાત ગણાતી ડુંગળીએ પણ સામાન્ય પરિવારનું બજેટ બગાડવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં અંદાજે 30 ટકાનો વધારો નોંધાતા ભરૂચના છૂટક બજારમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ.40થી વધીને રૂ.50 સુધી પહોંચી ગયો છે. અચાનક આવેલા આ ભાવવધારાથી ગૃહિણીઓ સહિત સામાન્ય વર્ગમાં ચિંતા વધી છે. વરસાદ અને બજારમાં ઓછા પુરવઠાને ભાવવધારા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. સતત વરસાદી માહોલને કારણે ડુંગળીના જથ્થામાં બગાડનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. પરિણામે જથ્થાબંધ બજારમાં ભાવ વધતાં તેની સીધી અસર છૂટક બજાર સુધી પહોંચી છે અને ગ્રાહકોને હવે ઊંચા ભાવે ડુંગળી ખરીદવાની ફરજ પડી રહી છે. ભરૂચના બજારમાં મહારાષ્ટ્રથી આવતી ડુંગળીનો મોટો હિસ્સો છે. મહારાષ્ટ્રના વિવિધ શહેરો અને માર્કેટમાંથી ડુંગળીનો જથ્થો એપીએમસી માર્કેટમાં પહોંચે છે. ત્યારબાદ જથ્થાબંધ વેપારીઓ મારફતે તેનો પુરવઠો છૂટક વેપારીઓ અને લારી-ગલ્લાવાળાઓ સુધી પહોંચે છે. પુરવઠાની આ સાંકળમાં જથ્થો ઘટતાં ભાવ પર તેની સીધી અસર જોવા મળી રહી છે.તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ડુંગળીના ભાવમાં થયેલો અચાનક વધારો સામાન્ય પરિવારો માટે વધુ ચિંતાજનક બન્યો છે. રસોડામાં લગભગ દરરોજ વપરાતી ડુંગળીના ભાવમાં વધારો થતાં શાકભાજીના કુલ ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. એક તરફ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવનો ભાર છે, ત્યારે હવે ડુંગળી પણ ઘરગથ્થુ બજેટ પર વધારાનો બોજ નાખી રહી છે. જોકે આગામી દિવસોમાં રાહતની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સપ્ટેમ્બર મહિનાથી બજારમાં ખરીફ ડુંગળીનો નવો પાક આવવાની શરૂઆત થવાની ધારણા છે. નવો પાક બજારમાં પહોંચ્યા બાદ પુરવઠો વધશે અને તેના પગલે ભાવમાં ઘટાડો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં તો ડુંગળીના ભાવમાં થયેલા 30 ટકાના ઉછાળાએ સામાન્ય ગ્રાહકોને પરેશાન કરી દીધા છે. વરસાદ, પુરવઠાની અછત અને વધતા જથ્થાબંધ ભાવ વચ્ચે ભરૂચના બજારમાં ડુંગળીનો ભાવ ક્યારે ફરી સામાન્ય થાય છે તેના પર ગૃહિણીઓની નજર મંડાઈ છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!