Skip to main content

Geo Gujarat News

ભાવનગર લઠ્ઠાકાંડમાં ૧૪ લોકોના મોત અંગે ગૃહમંત્રીના રાજીનામાની માંગ: આમોદમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસની રેલી, ૩ દિવસમાં દારૂબંધી નહીં થાય તો ‘જનતા રેડ’ની ચીમકી

આમોદ: તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બનેલી દુઃખદ લઠ્ઠાકાંડની ઘટનામાં ૧૪ જેટલા નિર્દોષ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જેને પગલે સમગ્ર રાજ્યમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી ફરી વળી છે. આ ગંભીર મુદ્દે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા તેમજ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજી આમોદ પોલીસ મથકના પી.આઈ. કરમટીયા સાહેબને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા સરકાર વિરોધી ઉગ્ર બેનરો સાથે સખત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં “ભાજપ તેરે રાજ મેં, સસ્તા દારૂ મોંઘા અનાજ” અને “હપ્તાખોર હૈ હપ્તાખોર, ભાજપ સરકાર હપ્તાખોર” જેવા નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ પણ દારૂના કારણે વિધવા થયેલી બહેનોને સાથે લઈને રેલીમાં જોડાયા હતા. આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો હતો કે આટલી મોટી ઘાતકી ઘટના માટે સીધા જવાબદાર રાજ્યના ગૃહમંત્રી છે અને તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, તેમજ બુટલેગરો અને તેમની સાથે સાઠગાંઠ ધરાવતા અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પત્રકારો અને મીડિયાકર્મીઓ પણ બુટલેગરો અંગે જાણતા હોવા છતાં ધાક-ધમકી કે ખોટા કેસના ડરથી બોલી શકતા નથી તે પણ એક ચિંતાજનક બાબત હોવાનું તેમણે ઉમેર્યું હતું.કોંગ્રેસ નેતાઓએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, રાજ્ય સરકાર અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ તેમજ બુટલેગરોને નાથવા માટે આદેશો અપાયા હોવા છતાં આમોદ શહેર અને સમગ્ર તાલુકામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આવી પરિસ્થિતિ આમોદ તાલુકામાં પણ ભાવનગર જેવી લઠ્ઠાકાંડની દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તંત્ર ત્વરિત જાગે તે અત્યંત જરૂરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આમોદ પોલીસ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવવામાં આવ્યું છે કે, જો આગામી ૩ દિવસની અંદર આમોદ તાલુકામાં ગેરકાયદેસર દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવામાં નહીં આવે, તો આવનારા ચોથા દિવસમાં કોંગ્રેસ કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મળીને ખુલ્લેઆમ ‘જનતા રેડ’ પાડશે. આ સાથે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસ લોકશાહી ઢબે રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી આપી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!