Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ઝાડેશ્વર રોડ પર રેતી ભરેલો હાઈવા ડિવાઈડર પર ચઢ્યો, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન..

ભરૂચના ઝાડેશ્વર રોડ પર સબરી સ્કૂલ નજીક દુબઈ ટેકરી પાસે રેતી ભરેલો હાઈવા ટ્રક અચાનક ડિવાઈડર પર ચઢી જતા ચકચાર મચી હતી. ભારે ભરેલા હાઈવા ટ્રકના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા વાહન ડિવાઈડર પર ચઢી ગયું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. અકસ્માત બાદ હાઈવા રસ્તાની વચ્ચે આવી જતા માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતોઅને બંને તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાના પગલે ઝાડેશ્વર રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તરફ ભારે વાહનોની અવરજવર અને બીજી તરફ અકસ્માતગ્રસ્ત હાઈવા રસ્તા પર ઉભો રહેતા ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને ટ્રાફિકમાંથી પસાર થવામાં લાંબો સમય લાગ્યો હતો. ઝાડેશ્વર રોડ શહેરનો મહત્વનો માર્ગ હોવાને કારણે અહીં દિવસ દરમિયાન સતત વાહનવ્યવહાર રહે છે. ખાસ કરીને રેતી અને અન્ય માલસામાન ભરેલા ભારે વાહનોની અવરજવર વચ્ચે આવા અકસ્માતો સર્જાતા ટ્રાફિક વ્યવસ્થા પર સીધી અસર પડે છે. હાઈવા ડિવાઈડર પર ચઢી જવાની ઘટનાએ માર્ગ પર દોડતા ભારે વાહનોની સલામતી અને નિયંત્રણ સામે પણ સવાલો ઉભા કર્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી. જોકે, અકસ્માત બાદ સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા ભારે વાહનોની અવરજવર પર નજર રાખી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવે અને આવા અકસ્માતોની પુનરાવૃત્તિ અટકાવવા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!