ભરૂચના કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન વીજ લાઈનનો જીવંત વાયર અચાનક તૂટી રસ્તા પર પડતાં ચકચાર મચી ગઈ હતી. ચાલુ વીજ વાયર માર્ગ પર પડતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં હાઈટેન્શન લાઈનના વાયર તૂટવાની ઘટના અગાઉ પણ બની ચૂકી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વારંવાર ચાલુ વીજ વાયર તૂટીને માર્ગ પર પડવાની ઘટનાઓને પગલે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવંત વીજ વાયર રસ્તા પર પડવાથી કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. બે વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી અને કોઈ અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર ન હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. હાઈટેન્શન લાઈનની સલામતી અને જાળવણી મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તથા વારંવાર વાયર તૂટવાના કારણો શોધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે. અન્યથા ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com