Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં વન મહોત્સવનો હરિયાળો સંદેશ, એક પેડ મા કે નામ સાથે વૃક્ષારોપણને વેગ, જતન માટે પણ લેવાયો સંકલ્પ..

ભરૂચના જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ સહિત સ્થાનિક ધારાસભ્યો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભરૂચના કનૈયાલાલ મુનશીએ વર્ષ 1950માં વન મહોત્સવની પરંપરા શરૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે પણ આ પરંપરા પર્યાવરણ જાળવણી માટે મહત્વપૂર્ણ બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ મા કે નામ અભિયાનથી ગામેગામ વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ મળ્યો છે અને લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતિ વધી રહી છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે દરેક નાગરિકને માત્ર વૃક્ષ વાવવા પૂરતું નહીં, પરંતુ વાવેલા વૃક્ષના ઉછેર અને જતનની જવાબદારી નિભાવવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવા માટે જ નહીં, પરંતુ આગામી પેઢીના સુરક્ષિત અને સ્વચ્છ ભવિષ્ય માટે પણ અત્યંત જરૂરી છે. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને તેનું યોગ્ય જતન કરવું એ સૌની સામૂહિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.મંત્રીના જણાવ્યા મુજબ, ભરૂચ જિલ્લામાં આશરે 19 સરકારી નર્સરીઓ કાર્યરત છે, જ્યાં વિવિધ તાલુકાઓ માટે લાખો રોપા તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકારી નર્સરીઓ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવતા રોપાઓના વાવેતરથી જિલ્લામાં હરિયાળી વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વન મહોત્સવ દરમિયાન વૃક્ષારોપણ સાથે ગ્રામ્ય વિસ્તારોના વિકાસને જોડતી મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ગૌચર અથવા પંચાયતની જમીનમાં વન વિભાગ દ્વારા વાવવામાં આવેલા વૃક્ષો પુખ્ત થયા બાદ તેમની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાંથી ખર્ચ બાદ મળતી આવકમાંથી 75 ટકા રકમ સંબંધિત ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવે છે. તેવી જ રીતે માર્ગોની બંને બાજુ કરવામાં આવેલા વૃક્ષારોપણની ઉપજમાંથી ખર્ચ બાદ 50 ટકા રકમ તાલુકા પંચાયતને આપવામાં આવે છે.આ રીતે વૃક્ષારોપણને માત્ર પર્યાવરણ સંરક્ષણ પૂરતું સીમિત ન રાખીને ગ્રામ્ય અને સ્થાનિક વિકાસ સાથે પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૃક્ષો ઉછરે તેમ પર્યાવરણને ફાયદો થવાની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિકાસલક્ષી આવકનો સ્ત્રોત પણ મળી શકે છે. કાર્યક્રમના સમાપન પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ વાવેલા વૃક્ષોના ઉછેર અને જતનનો સંકલ્પ લેવા આહવાન કરવામાં આવ્યું હતું. 75મા વન મહોત્સવે ભરૂચ જિલ્લામાં વૃક્ષ વાવો અને વૃક્ષ બચાવોના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.

 

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!