ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મહંમદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં ઉજવાતા પવિત્ર ઈદે મિલાદ પર્વને લઈને ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬, બુધવારના રોજ ઈદે મિલાદની ઉજવણી થનાર હોવાથી ગામમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઈદે મિલાદની ઉજવણીને લઈને નબીપુર ગામના ધાર્મિક સ્થળો, મુખ્ય માર્ગો, ગલીઓ તેમજ અનેક ઘરોને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યા છે. સાંજ પડતાં જ સમગ્ર ગામ રોશનીથી ઝળહળી ઊઠે છે અને ગામના વિવિધ વિસ્તારોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. જ્યાં નજર કરો ત્યાં રંગબેરંગી રોશનીઓ અને સજાવટના કારણે નબીપુરનું વાતાવરણ ભક્તિ અને ઉત્સાહથી ભરાઈ ગયું છે.
પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બુધવારે સવારે નબીપુરમાં ભવ્ય ઝુલૂસનું આયોજન કરવામાં આવ્યું છે. ઝુલૂસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે. ત્યારબાદ સમસ્ત ગામ તરફથી ગામની ભાગોળે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિયાઝમાં નાત-જાત કે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌ કોઈને જોડાઈ પ્રસાદનો લહાવો લેવાની તક મળશે.
ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે નબીપુરમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને ભાઈચારાનો સંદેશ પણ ઉજાગર થશે. સમગ્ર ગામના લોકો દ્વારા પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભેર થાય તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પવિત્ર ઈદે મિલાદને લઈને નબીપુરમાં હાલથી જ આવ્યો પર્વ ખુશીઓનો એવો માહોલ છવાયો છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com