Skip to main content

Geo Gujarat News

ઝઘડિયામાં GMDC ની ઘોર બેદરકારી સામે આક્રોશ, વરસાદી પાણીના અયોગ્ય નિકાલથી ખેતરો જળમગ્ન, પાક ધોવાતાં વળતરની કડક માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા હેઠળ આવતા રાજપારડી વિસ્તારમાં સરકારી ઉપક્રમ જીએમડીસી (GMDC) કંપનીની ગંભીર બેદરકારી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કંપની દ્વારા ખનન અને પ્લાન્ટ વિસ્તારમાંથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય તેમજ કાયમી વ્યવસ્થા ન કરવામાં આવતાં, આ આફતનું પાણી આસપાસના સીમ વિસ્તારોમાં ફરી વળ્યું છે. ખાસ કરીને ગુડેચા-1 ગામના ખેડૂતોના તૈયાર પાક ધરાવતા ખેતરોમાં કંપનીના દૂષિત અને વહેતા પાણી ભરાઈ જતાં મોટું ધોવાણ થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થવાનો વારો આવ્યો છે.આ સંવેદનશીલ અને ગંભીર મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય નર્મદાબેન વસાવાએ ખેડૂતોના વહારે આવીને જીએમડીસીના ઉચ્ચ મેનેજમેન્ટને આકરા શબ્દોમાં લેખિત રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે કંપની તંત્રની આયોજન વગરની નીતિઓને કારણે દર વર્ષે નિર્દોષ જગતના તાતને નુકસાન સહન કરવાનો વારો આવે છે. રજૂઆતમાં તાકીદે વરસાદી પાણીના સુચારૂ નિકાલ માટે ડ્રેનેજ કે ચેનલની વ્યવસ્થા કરવા અને જળબંબાકારથી વ્યાપક નુકસાન વેઠનારા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની કડક માંગ કરવામાં આવી છે. જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની પણ ચીમકી આપવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!