અંકલેશ્વર શહેરમાં ગણેશજીની ભવ્ય આગમન યાત્રા દરમિયાન ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. સરકાર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમન સમારોહમાં ગણેશજીના મુખદર્શન સ્થળે ફટાકડાના સેટમાં આગ લાગતાં સ્થળ પર હાજર ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો અને થોડા સમય માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આગની જાણ થતાં જ આયોજકો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. આગ વધુ વિકરાળ બને તે પહેલાં આયોજકોએ જાતે જ સેટ પર ચઢીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ફાયર ક્રેકર સેટમાં આગ લાગવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા કર્યા હતા. સમયસર લેવાયેલી તકેદારીના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનતા અટકી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com