જશ્ન-એ ઈદ મિલાદ-ઉન્નબીના મુબારક અને નૂરાની પ્રસંગે આમોદની પાક સરઝમીન પર પ્યારા આકા હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની સુન્નત અને શિક્ષણ ‘પ્રેમ ફેલાવો, માનવતા બચાવો’ના પયગામને સાકાર કરતું એક અઝીમ અને રોહાનિયતથી સભર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પવિત્ર મોકા પર સૈયદ શેરઅલી બુખારી અને તેમની સમગ્ર આયોજક ટીમ દ્વારા આમોદના ઐતિહાસિક દરબારી હોલ ખાતે એક ભવ્ય ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું એહતેમામ કરવામાં આવ્યું છે. ‘યુનિટી બ્લડ સેન્ટર’ના સહયોગથી યોજાનારા આ માનવસેવાના મહાયજ્ઞમાં રક્તદાન કરીને મુશ્કેલ સમયમાં દર્દીઓ અને માસુમોના કિંમતી જાન બચાવવા માટે સમગ્ર અકીદતમંદો અને નગરજનોમાં ભારે ઉત્સાહ તથા ઈમાની જઝબો જોવા મળી રહ્યો છે.
આ નૂરાની અને ઈસ્તેકબાલી મોકા પર આમોદ દરબારી હોલ ખાતે બુધવાર, તારીખ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી રક્તદાન શિબિર ચાલશે. આયોજક સૈયદ શેરઅલી બુખારી અને તેમની સમગ્ર ટીમે ઈદ-એ-મિલાદના આ મુબારક પર્વ પર ‘રક્તદાન એ જ શ્રેષ્ઠ દાન’ અને ‘સ્પ્રેડ લવ, સેવ લાઇવ્સ’ના ઇસ્લામી પયગામને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા હાકલ કરી છે. આમોદના નવજવાનો અને અકીદતમંદો મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ રોહાનિયાત અને ખિદમત-એ-ખલ્કના અઝીમ કાર્યમાં સહભાગી બનશે, જેનાથી સમગ્ર વિસ્તારમાં પરસ્પર અખૂટ મુહબ્બત, ઈન્સાનિયત અને કોમી એકતાનો એક બુલંદ પયગામ રોશન થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com