Skip to main content

Geo Gujarat News

વાગરામાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી, નાત શરીફના પઠન સાથે નીકળ્યું શાનદાર ઝુલુસ, ડેપો સર્કલ પર ઉમટ્યો જનસૈલાબ

વાગરા સહિત સમગ્ર પંથકમાં ઈદે મિલાદ-ઉન-નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત પયગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર પર્વને લઈને વહેલી સવારથીસમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વાગરા નગરની મસ્જિદો તેમજ વિવિધ વિસ્તારોને આકર્ષક રોશની અને શણગારથી સજાવવામાં આવતા સમગ્ર વાતાવરણમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. ઈદે મિલાદ નિમિત્તે સવારે 8 કલાકે વાગરા જુમ્મા મસ્જિદથી નાત શરીફના પઠન સાથે ભવ્ય ઝુલુસ નીકળ્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જુમ્મા મસ્જિદથી પ્રસ્થાન કરેલું ઝુલુસ વાંતા વિસ્તાર, મુખ્ય બજાર થઈ ડેપો સર્કલ ખાતે પહોંચ્યું હતું. ઝુલુસ ડેપો સર્કલ ખાતે પહોંચતા સમગ્ર વિસ્તાર જાણે માનવ મહેરામણમાં ફેરવાઈ ગયો હતો. સેંકડો બિરાદરોની ઉપસ્થિતિથી ડેપો વિસ્તાર ભરાઈ ગયો હતો અને અહીં ઈદે મિલાદની ખુશીની અનોખી છટા જોવા મળી હતી. ડેપો સર્કલ ખાતે શ્રદ્ધાળુઓ માટે નિયાઝ સ્વરૂપે ખીર, દૂધ, કોલ્ડ ડ્રિન્ક્સ, મીઠાઈ, ચોકલેટ સહિતની વિવિધ વાનગીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસ પૂર્ણ થયા બાદ કેક, નાનખટાઈ અને વિવિધ પ્રકારની મીઠાઈઓનું પણ વિતરણ કરી સૌનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું. નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈઝુલુસ ફરી જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું. ઝુલુસ દરમિયાન નાત શરીફના પઠન સાથે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શાંતિ, પ્રેમ, દયા અને માનવતાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો.આ પવિત્ર પ્રસંગે પયગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન અને તેમના દ્વારા આપવામાં આવેલા શાંતિ, ભાઈચારો, પ્રેમ, દયા તથા માનવતાના સંદેશને યાદ કરી સમાજ અને દેશ-દુનિયામાં અમન-શાંતિ જળવાઈ રહે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી. સમગ્ર ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઈદે મિલાદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાગરા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઝુલુસના સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસની સતર્ક કામગીરી તેમજ આયોજકો અને સમાજના આગેવાનોના સહકારથી ઈદે મિલાદની સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ઝુલુસ પૂર્ણ થયા બાદ વાગરાના વાંતા હૉલ ખાતે આમ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સામૂહિક નિયાઝમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક નિયાઝનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભાઈચારો, એકતા અને પરસ્પર પ્રેમની ભાવના સાથે સૌએ સાથે બેસી નિયાઝ આરોગી ઈદે મિલાદની ખુશીઓ વહેંચી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!