ભરૂચ શહેરના ધોળીકુઈ વિસ્તારમાં મહાદેવ મંદિર નજીકના વ્યસ્ત માર્ગ પર દારૂના નશામાં ધૂથ એક કારચાલકે પોતાનું પૂરપાટ ઝડપે જતું વાહન બેફામપણે હંકારીને માર્ગ પરથી પસાર થતાં નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો પર કાળ બનીને કાર ચઢાવી દીધી હતી. અતિ ભયાનક રીતે આચરાયેલા આ અકસ્માતમાં ૪ જેટલા નિર્દોષ લોકોને ગંભીર અને લોહીલુહાણ ઈજાઓ પહોંચી હતી. દારૂડીયા કારચાલકે માર્ગ પર ઊભેલા અને પસાર થતાં અનેક વાહનોને પણ જોરદાર ટક્કર મારીને બુકડો બોલાવી દેતાં મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ધડાકાભેર ટક્કર વાગતાં જ કારની બંને એરબેગ્સ ખુલી ગઈ હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડી અને ચીસાચીસ મચી ગઈ હતી.
બનાવ બનતાં જ આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ લોહીલુહાણ હાલતમાં પડેલા તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબૂમાં લઈને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દારૂના નશામાં ધૂથ થઈને માસૂમ લોકોના જીવ જોખમમાં મૂકનારા આ સાતિર કારચાલક સામે ઈજાગ્રસ્તો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે ગુનો નોંધી, તેનો મેડિકલ ટેસ્ટ કરાવી જેલભેગો કરવા માટે પોલીસે આકરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com