Skip to main content

Geo Gujarat News

ભરૂચમાં ગંદકી ફેલાવનારાઓ સામે નગરપાલિકાની લાલ આંખ, સ્ટેશન રોડ પર દરોડા પાડી વેપારીઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાયો, પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત!

ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા વચ્ચે જાહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો બેરોકટોક ઉપયોગ કરતા બેજવાબદાર વેપારીઓ સામે ભરૂચ નગરપાલિકાએ આક્રમક રણનીતિ અપનાવી છે. શહેરભરમાં ગંદકી ફેલાવનારાઓ સામે રૂ. ૧૦૦ થી લઈને રૂ. ૨,૦૦૦ સુધીનો આકરો દંડ ફટકારવાની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત અગાઉ એમજી રોડ પર એક શોપિંગ સેન્ટરના સંચાલકોને રૂ. ૨,૦૦૦ નો ભારેખમ દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે તાજેતરમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પાલિકાની વિજિલન્સ ટીમ દ્વારા અત્યંત વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પાલિકાની સ્ક્વોડ ટીમે સ્ટેશન રોડ પર આવેલી વિવિધ દુકાનો, લારી-ગલ્લા ધારકો અને વાણિજ્યિક એકમોમાં સઘન તપાસ ચલાવી હતી, જ્યાં નિયમોના ધિષ્ટાંત ઉડાડીને જાહેરમાં કચરો ફેંકનારા અને સરકાર દ્વારા સદંતર પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ધડાધડ ઉપયોગ કરતા વેપારીઓ સામે તંત્રે આકરી કાર્યવાહી કરી હતી. પાલિકાની ટીમે સ્થળ પર જ નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી કુલ ₹૫,૮00 નો દંડ વસૂલ કરી કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા તંત્રે તમામ વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે દરેક વેપારીએ પોતાની દુકાન કે એકમની આસપાસ ફરજિયાત સ્વચ્છતા રાખવી પડશે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કાયમ માટે બંધ કરવો પડશે, અન્યથા આગામી દિવસોમાં વધુ આકરા દંડ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!