ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાં ચાલુ મોસમમાં વરસાદ અત્યંત ઓછો પડતા અને લાંબા સમયથી ખેંચાતાં સ્થાનિક ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે, તેમજ ખેતરોમાં ઊભો પાક સૂકાઈ જવાની ગંભીર ભીતિ વચ્ચે સિંચાઇ અને વીજળીનું સંકટ ઘેરાયું છે. મુખ્યત્વે વરસાદ અને નર્મદા નહેરના પાણી પર નિર્ભર એવા આ વિસ્તારના ધરતીપુત્રોના કિંમતી પાકને નિષ્ફળ જતો બચાવવા માટે જંબુસરના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી ખેડૂતોના હિતમાં મેદાને આવ્યા છે.
તેમણે આ વિસ્તારના કટોકટી જેવા સંજોગો ધ્યાને લઈ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલને તાત્કાલિક પત્ર લખીને રજૂઆત કરી છે કે આમોદ-જંબુસર વિસ્તારની નર્મદા નિગમની નહેરોમાં તાત્કાલિક દબાણપૂર્વક પાણી છોડવામાં આવે અને ખેતીવાડી માટે હાલ અપાતી ૮ કલાક વીજળીના બદલે ૧૨ કલાક સળંગ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે, જેથી ખેડૂતો બોરવેલ કે પંપિંગ થકી પોતાના પાકને પાઈને જીવતદાન આપી શકે. મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકોના કારણે ટેલિફોનિક સંપર્ક ન થઈ શકતા પત્ર દ્વારા આ ગંભીર બાબત ધ્યાન પર લાવવામાં આવી છે અને ધારાસભ્ય ટૂંક સમયમાં રૂબરૂ ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોના આ પાણી અને વીજળીના પ્રશ્નનો કાયમી તથા સુખદ અંત લાવવા મક્કમ નિર્ધાર સાથે અપીલ કરશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023