ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં રાત્રિના સમયે અચાનક ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. દોરા ગામમાં સેન્ટ્રલ બેંક નજીકના ગીચ વિસ્તારમાં મગર દેખાતાં આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. મગર આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ તેને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અંકિત પરમારે તાત્કાલિક આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાને જાણ કરી હતી. વન વિભાગની આદેશ અને યોગ્ય માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી.

૧૨ ફૂટ જેટલી વિશાળ લંબાઈ ધરાવતા મગરને કાબૂમાં લેવો અત્યંત જોખમી હોવાથી ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આખરે ટીમની સતર્કતા અને કુશળતાના કારણે મગરને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ વન વિભાગની સૂચના અનુસાર મગરને તેના નૈસર્ગિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસર હાથ ધરાયેલી કામગીરીના કારણે મોટી હોનારત ટળી હતી અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023