ભરૂચના વોર્ડ નંબર-૫માં આવેલી પુષ્પમ, આશાપુરી તેમજ રચના નગર-૧ થી ૫ સોસાયટીના રહીશો પર મોટું જોખમ તોળાઈ રહ્યું હોવાની ભીતિ સાથે ભયનો માહોલ સર્જાયો છે. આ ગીચ રહેણાંક વિસ્તારમાં પસાર થતી ૧૩૨ KVની અતિ સંવેદનશીલ હાઈટેન્શન વીજ લાઈનથી તદ્દન નજીક આશરે ૩૦ મીટર ઊંચા રાક્ષસી મોબાઈલ ટાવરનું બાંધકામ શરૂ કરાતાં સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોએ ચોંકાવનારા સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, ભવિષ્યમાં કોઈ વાવાઝોડું કે કુદરતી હોનારત આવે અને જો આ ઊંચો ટાવર હાઈટેન્શન વીજ લાઈન પર ધરાશાયી થાય, તો સમગ્ર વિસ્તારમાં કલ્પના ન કરી શકાય તેવી મોટી જાનમાલની હોનારત સર્જાઈ શકે છે.
આ ઉપરાંત ટાવરમાંથી નીકળતા ઘાતક RF રેડિયેશન અને તેના ટેકનિકલ સુરક્ષા ધોરણો અંગે યોગ્ય મંજૂરીઓ લેવાઈ છે કે કેમ તે બાબતે પણ લોકમુખે મોટો સંશય વ્યક્ત થઈ રહ્યો છે. જનઆરોગ્ય અને વિસ્તારની સુરક્ષા જોખમાતી જોઈને નારાજ રહીશોએ નગરપાલિકા, જિલ્લા કલેક્ટર, એસડીએમ, જેટકો તથા પોલીસ તંત્ર સમક્ષ ધારદાર રજૂઆતો કરી છે. સ્થાનિકોએ એકસૂરે માંગ કરી છે કે અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરે, ટાવરની મંજૂરીઓની ચકાસણી કરે અને જોખમી બાંધકામ અટકાવીને નાગરિકોના શિર પર તોળાતું આ જોખમ કાયમી ધોરણે દૂર કરે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com