ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામમાંથી માનવતાને શર્મસાર કરતી અને ગ્રામજનોના આરોગ્યને જોખમમાં મુકતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં ધમધમતી એક કરિયાણાની દુકાનમાં માત્ર થોડા રૂપિયાની નફાખોરી માટે નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને નાના માસૂમ બાળકોના જીવન સાથે ખુલ્લેઆમ જીવલેણ રમત રમાઈ રહી હોવાનો પર્દાફાશ થયો છે. મુદત વીતી ચૂકેલા ખાદ્યપદાર્થો અને બિસ્કિટના પેકેટો બિન્દાસ્તપણે પધરાવી રહેલા દુકાનદારને સ્થાનિક રહીશ અને પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલે પુરાવા સાથે રંગેહાથ ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ મામલો માત્ર આકસ્મિક બેદરકારીનો નથી પરંતુ નિર્લજ્જ ગુનાહિત માનસિકતાનો પુરાવો આપે છે. દુકાનમાં વેચાતા પેકેટોની સ્થિતિ એટલી હદે વણસેલી હતી કે ઉંદરોએ કાતરી નાખેલા ખાદ્ય સામગ્રીના પેકેટ પર દુકાનદારે ખુલ્લેઆમ સેલોટેપ ચોંટાડીને ગ્રાહકોને પધરાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે આ જ વેપારીને આશરે ત્રણ મહિના અગાઉ પણ એક્સપાયરી માલ ન વેચવા બાબતે કડક શબ્દોમાં ચેતવણી અપાઈ હતી. તેમ છતાં, કાયદા અને માનવતા બંનેને નેવે મૂકીને નિર્દોષ લોકોના પેટમાં ઝેર પીરસવાનો આ કાળો કારોબાર બેરોકટોક ચાલુ રખાયો હતો. જ્યારે સ્થાનિકોએ આ અંગે દુકાનદારને ઘેર્યો ત્યારે કોઈ પણ પ્રકારના પસ્તાવા વગર ભૂલથી રહી ગયું જેવા ખોખલા બહાના બનાવીને સમગ્ર મામલા પર ઢાંકપિછોડો કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક જાગૃત નાગરિકોએ સમગ્ર કરતૂતનો પર્દાફાશ કરતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જ તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે. ગ્રામજનોમાં ભભૂકી ઉઠેલા પ્રચંડ રોષ વચ્ચે હવે એક જ સૂર સંભળાઈ રહ્યો છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોબ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતી આ દુકાનને તાત્કાલિક ધોરણે સીલ મારી, સંચાલક સામે કડક ફોજદારી ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ નફાખોર વેપારી નિર્દોષ નાગરિકોના જીવ સાથે આવું જોખમ ખેડવાની હિંમત ન કરે.
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ પાલેજમાં ફૂડ પોઈઝનિંગને કારણે માસૂમ પૂર્વ પટેલના કમકમાટીભર્યા મોતની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ફરી એકવાર આમોદના સમની ગામે એક્સપાયરી ડેટ અને ઉંદરે કાતરેલા માલનું ખુલ્લેઆમ વેચાણ સામે આવતા સમગ્ર પંથકમાં પ્રચંડ જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. એક તરફ ભૂતકાળની જીવલેણ ઘટનાઓ બાદ પણ તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પરના દેખાડા સમાન સાબિત થઈ રહી છે, ત્યારે બીજી તરફ નફાખોર વેપારીઓ કોઈ પણ ખૌફ વગર નિર્દોષ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. આ ગંભીર અને શરમજનક સ્થિતિને જોતાં હવે સમની ગામ સહિત સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ ભભૂકી રહ્યો છે. લોકો એકસૂરે સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ઉચ્ચ વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરે. માત્ર નોટિસો આપીને ઢાંકપિછોડો કરવાને બદલે, લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ રમત રમતા આ બેજવાબદાર દુકાનદાર સામે ફોજદારી ગુનો નોંધી, દુકાન સીલ કરી કડકમાં કડક દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023