Skip to main content

Geo Gujarat News

આમોદ: દાંડા ગામના ઇસમ સામે છેતરપિંડીના ગંભીર કેસો, ચાર કેસમાં કોર્ટની સજા બાદ ખોટું સરનામું આપી ફરાર હોવાનો પોલીસનો દાવો, પોલીસે સુરતથી ઝડપી કોર્ટમાં રજૂ કરતાં સબજેલ હવાલે

આમોદ તાલુકાના દાંડા ગામના વતની અને લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતા-ફરતા આરોપી યોગેન્દ્રસિંહ રાજને આમોદ પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આરોપી સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે વાગરા, આમોદ, કરજણ અને ભરૂચની અદાલતોમાં વિવિધ કેસો ચાલી રહ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યોગેન્દ્રસિંહ રાજે આસપાસના વિસ્તારના કેટલાક લોકો સાથે કથિત રીતે છેતરપિંડી કરી તેમની પાસેથી કરોડો રૂપિયાની રકમ મેળવી ફરાર થઈ ગયો હોવાના આક્ષેપો છે. આ મામલે ચાલેલા કેસોમાંથી ચાર કેસમાં અદાલત દ્વારા આરોપીને સજા પણ ફટકારવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. કોર્ટની કાર્યવાહી બાદ પોલીસથી બચવા માટે આરોપીએ ખોટું સરનામું આપ્યું હોવાનું અને ત્યારબાદ લાંબા સમયથી ફરાર રહી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.દરમિયાન આરોપીના પિતા રણમલસિંહ રાજ સુરત જેલમાં હોવાની માહિતી મળતાં યોગેન્દ્રસિંહ રાજ પણ સુરત ખાતે આવ્યો હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. બાતમીના આધારે આમોદ પોલીસે સુરતમાં કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા આરોપીની ધરપકડ થતાં પોલીસની કાર્યવાહીથી ફરાર આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આમોદ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ આમોદ કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં નામદાર કોર્ટે આરોપીને ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હવે આરોપી સામેના અન્ય કેસોમાં પણ કાયદેસરની કાર્યવાહી આગળ વધવાની શક્યતા છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!