મીડિયાએ બેદરકારી દાખવનાર કંપનીની ઊંઘ ઉડાવી, અંધારામાં ગરકાવ તિરંગો હવે ઝગમગ્યો! વાગરા તાલુકાની પખાજણ GIDC સ્થિત PIP કંપનીમાં રાષ્ટ્રગૌરવના પ્રતીક તિરંગાને લઈને ઉઠેલા ગંભીર સવાલોનો આખરે અસરકારક અંત આવ્યો છે. સ્થાનિક મીડિયા દ્વારા અંધારામાં ગરકાવ થતા તિરંગાનો મુદ્દો ઉજાગર થતાં જ કંપનીના સત્તાધીશોની આંખ ખુલી ગઈ અને તાબડતોડ ધોરણે લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જે તિરંગો અત્યાર સુધી રાત્રિના અંધકારમાં ગાયબ થઈ જતો હતો, તે હવે રાત્રીના સમયે પણ પ્રકાશ વચ્ચે શાનથી લહેરાતો નજરે પડી રહ્યો છે. દિવસ દરમિયાન ભવ્યતા દર્શાવતો અને દેશપ્રેમનો સંદેશ આપતો તિરંગો રાત્રે અંધકારમાં ગરકાવ થઈ જતો હોવાના દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોનો સવાલ સ્પષ્ટ હતો કે, જો કરોડોના ઉદ્યોગમાં વિશાળ તિરંગો લગાવી શકાય, તો તેની ગરિમા જળવાય તે માટે જરૂરી લાઇટિંગ કેમ ન ગોઠવાઈ? રાષ્ટ્રધ્વજ માત્ર દેખાડા માટે નહીં, પરંતુ 24 કલાક સન્માનપૂર્વક દૃશ્યમાન રહે તે દરેક નાગરિકની જવાબદારી છે.
તિરંગાનું અપમાન કે બેદરકારી? મીડિયા બોલ્યું તો PIP કંપનીએ દોડી લાઇટ લગાવી! મીડિયામાં અહેવાલ પ્રસારિત થતાં જ કંપનીએ વિલંબ કર્યા વિના લાઇટિંગ શરૂ કરી દીધી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે જવાબદારીનું ભાન કરાવવા માટે નિર્ભય અને જનહિતની પત્રકારિતા કેટલી જરૂરી છે. મોડું થયું, પરંતુ યોગ્ય થયું. હવે તિરંગો અંધારામાં નહીં, પ્રકાશમાં દેશની આન-બાન-શાન સાથે લહેરાઈ રહ્યો છે. સ્થાનિકો સહિત GEO GUJARAT NEWS દ્વારા પણ લાઇટિંગની વ્યવસ્થા કરનારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે, રાષ્ટ્રધ્વજની ગરિમા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય નથી. તિરંગાનું સન્માન માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વ્યવહારમાં પણ દેખાવું જોઈએ. અને આ સમગ્ર ઘટનાએ એ જ હકીકતને ઉજાગર કરી છે.
તિરંગાની ગરિમા સાથે બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી ક્યારે? અત્રે નોંધનીય છે કે મીડિયાએ કાન આમળતાં PIP કંપનીના સત્તાધીશો તાત્કાલિક જાગી ગયા અને લાઇટિંગની વ્યવસ્થા કરી દીધી. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી રાત્રિના અંધકારમાં રાખીને રાષ્ટ્રધ્વજની ગરિમા સાથે જે બેદરકારી અને અપમાન થયું તેનું જવાબદાર કોણ? શું માત્ર લાઇટ લગાવી દેવાથી આખો મામલો દબાઈ જશે? શું સ્થાનિક તંત્ર આ ગંભીર બેદરકારીની તપાસ કરીને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે? શું રાષ્ટ્રધ્વજની ગરિમા ભંગ કરવા બદલ ગુનો નોંધાશે કે પછી ઉદ્યોગના દબાણ સામે તંત્ર ફરી આંખ આડા કાન કરશે? હવે લોકો જવાબ નહીં, કાર્યવાહી માંગે છે.
આ પણ વાંચો: તિરંગાની ભવ્યતા દેખાઈ, પણ રાત્રે પ્રકાશ ક્યાં? PIP કંપની સામે ઉઠ્યો સવાલોનો વંટોળ, દેશના ગૌરવ સાથે આવી બેદરકારી કેમ?
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com